અજાણી-શી વાતો · દેશ- દુનિયા · સમાચાર-વિચાર

વિયેતનામનો એક સામાન્ય નાગરિક દેશની અગ્રીમ કંપની ટીએચપીનો માલિક

 

દક્ષિણ પૂર્વ એશિયાના સામ્યવાદી દેશ વિયેતનામમાં અનાથાલયમાં ઉછરેલો એક બાળક ભારે પરિશ્રમથી વિયેતનામની અગ્રગણ્ય એફએમસીજી કંપની ટીએચપી ગ્રુપનો માલિક બન્યો છે. ટ્રાં ક્વિ થાં (ટ્રાન ક્વિ થાન્હ) એ 1994માં સ્થાપેલ ટીએચપી ગ્રુપનાં ટી, એનર્જી ડ્રિંક અને અન્ય બેવરિજ પીણાંઓ કોકા કોલા, પેપ્સી અને રેડ બુલ જેવી મલ્ટિનેશનલ કંપનીઓને હંફાવી રહ્યાં છે.

સાઉથ ઇસ્ટ એશિયાના દેશ વિયેતનામનો ટૂંક પરિચય

વિયેતનામ (વિયેટનામ) દેશ એશિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં ઇંડો-ચાઇના પેનિન્સ્યુલામાં સ્થિત છે. કમ્યુનિસ્ટ દેશ વિયેતનામના પાડોશી દેશો ચીન, લાઓસ, થાઇલેંડ અને કંબોડિયા છે. સાઉથ ચાઇના સી પર અતિ લાંબો સમુદ્ર કિનારો  ધરાવતા વિયેતનામનું સ્ટ્રેટેજીક મહત્ત્વ ઘણું છે.

ગઈ સદીમાં વિયેતનામ પર ફ્રાંસની સત્તા હતી. બીજા વિશ્વયુદ્ધ (1939 – 1945) સમયે તેના પર જાપાને કબજો જમાવ્યો. 1945માં જાપાનની હાર સાથે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો.

તે પછી વિયેતનામના બે ભાગ પડ્યા: નોર્થ વિયેતનામ અને સાઉથ વિયેતનામ. સામ્યવાદના રંગે રંગાયેલ હો ચિ મિન્હનું ઉત્તર વિયેતનામ; અમેરિકાના પ્રભાવ નીચે આવેલ બિન-સામ્યવાદી દક્ષિણ વિયેતનામ.

1955માં ઉત્તર – દક્ષિણ વિયેતનામ વચ્ચે સંઘર્ષ શરૂ થયો. વીસેક વર્ષ સુધી લોહિયાળ વિયેતનામ વોર ચાલી. અમેરિકાની જંગી મદદ મળવા છતાં 1975માં દક્ષિણ વિયેતનામની હાર થઈ.

1976માં નોર્થ – સાઉથ વિયેતનામનું એકીકરણ થયું.

ફળસ્વરૂપ  સામ્યવાદી દેશ સોશિયાલિસ્ટ  રિપબ્લિક ઓફ વિયેતનામનું નિર્માણ થયું જેને આપણે વિયેતનામ (વિયેટનામ) તરીકે જાણી છીએ. આજે પણ વિયેતનામમાં સામ્યવાદી સરકારનું શાસન છે. વ્યૂહાત્મક રીતે અને રાજનીતિની દ્રષ્ટિએ વિયેતનામનું આગવું મહત્ત્વ હોવાથી ભારત સરકાર વિયેતનામ શાસન સાથે સુમેળભર્યા સંબંધો જાળવે છે.

** આપ આ લેખ લોકપ્રિય બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

ટ્રાં ક્વિ થાં કોણ છે?

ટ્રાં ક્વિ થાં વિયેતનામની પ્રથમ ક્રમાંકની એફએમસીજી કંપની ટીએચપી ગ્રુપ(તાન હાએપ ફાત/ ટાન હાએપ ફાટ Tan Hiep Phat) ના સ્થાપક – સંચાલક છે.

વિવિધ પ્રકારની ‘બોટલ્ડ’ ટી, સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને અન્ય પીણાંઓ બનાવતી ટીએચપી સામ્યવાદી દેશ વિયેતનામની સૌથી મોટી પ્રાઇવેટ બેવરિજ કંપની છે.

ટ્રાં ક્વિ થાંનો જન્મ વિયેતનામના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો. તેમણે 1962માં માત્ર નવ વર્ષની ઉંમરે પોતાની માતાની છત્રછાયા ગુમાવી. કૌટુંબિક સમસ્યાઓને કારણે તેમણે અનાથાલયમાં રહેવું પડ્યું. પાંચ- છ વર્ષ સુધી અનાથાલયની કઠિનાઈભરી જિંદગી જીવી બાળક ટ્રાં ક્વિ થાં ઘડાઈ ગયો. તેણે કરાટે જેવા સેલ્ફ-ડિફેન્સના દાવ શીખી આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો. તેમણે યુવાન વયે સાઇગોન (હો ચિ મિન્હ સીટી) ની યુનિવર્સિટીમાંથી એંજીનિયરિંગનો અભ્યાસ કર્યો. તેમને અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ (પીએચડી) ની પદવી (?) મળી હોવાની પણ વાત છે.

ટ્રાં ક્વિ થાંના સંઘર્ષ અને સફળતાની કહાણી

યુવાન ટ્રાં ક્વિ થાં અજબની બિઝનેસ લગની ધરાવતા હતા. તેમની પાસે સમય પરખવા સાથે જોખમભર્યા ત્વરિત નિર્ણય લેવાની કોઠાસૂઝ છે. ઉપભોક્તા અને માર્કેટની માગને સમઝવાની, બદલાતાં વહેણોને ઓળખવાની અને માર્કેટિંગ દાવપેચ ખેલવાની કાબેલિયત છે.

યુવાન વયે ટ્રાં ક્વિ થાંએ 1973-75ના ગાળામાં વિયેતનામ વોરની સમાપ્તિનાં વર્ષોમાં ઊભરતી તકોને જોઈ લીધી. અમેરિકાએ પોતાનાં લશ્કરી દળો પાછાં ખેંચ્યાં અને વિયેતનામમાં નવી રાજકીય સ્થિતિનો ઉદય થયો.

અભ્યાસ પૂરો કરી ટ્રાં ક્વિ થાંએ સાઇગોન (પહેલાંના દક્ષિણ વિયેતનામની રાજધાની; હવે સાઇગોનને હો ચિ મિન્હ સીટી કહેવામાં આવે છે) માં બિઝનેસમાં ઝંપલાવ્યું. વિયેતનામ યુદ્ધથી બરબાદ થયેલા દેશમાં અનાજની તંગી હતી. ખોરાક માટે જંગી બ્રેડ-ઉત્પાદનની જરૂર હતી, તે જોઈ ટ્રાં ક્વિ થાંએ યીસ્ટ પ્રોડક્શનમાં ઝુકાવ્યું. ભારે કમાણી થઈ. ટ્રાં ક્વિ થાં અસ્થિર રાજકીય પરિસ્થિતિ એવી પરખી ગયા હતા કે કમાણીને ગોલ્ડ બાર – સોનામાં ફેરવી સંતાડતા ગયા.

થોડા સમયમાં ફુગાવો (ઇન્ફ્લેશન) વધી ગયો તો યીસ્ટ છોડી તેમણે  ખાંડના વ્યવસાયને અપનાવ્યો. તેમણે જોયું કે વિયેતનામની પ્રજા ખાંડ પાછળ ઘેલી હતી. ખોરાકમાં સ્વાદ અને શરીરમાં શક્તિ માટે દેશમાં ખાંડનો જંગી વપરાશ હતો. પણ આવા ક્ષેત્રોમાં સામ્યવાદી સરકાર ખાનગી ઉદ્યોગોને જરાયે પ્રોત્સાહન આપતી ન હતી. ટેકનોલોજી અને સંસાધનોના અભાવ વચ્ચે પણ ટ્રાં ક્વિ થાંએ સંઘર્ષ જારી રાખ્યો. વર્ષ 1990 આવતાં વિયેતનામની કમ્યુનિસ્ટ ગવર્નમેન્ટની નીતિઓ ઉદ્યોગો માટે સાનુકૂળ રીતે બદલાવા લાગી.

** આપ આ લેખ લોકપ્રિય બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

ટ્રાં ક્વિ થાં અને ટીએચપી ગ્રુપ

તે પછી ટ્રાં ક્વિ થાંએ બેવરિજ ઉદ્યોગ તરફ નજર દોડાવી.

1994માં પચાસ વર્ષ વટાવી ચૂકેલા ટ્રાં ક્વિ થાંએ પોતાની કંપની ટીએચપી (તાન હાએપ ફાત/ ટાન હાએપ ફાટ Tan Hiep Phat) ની સ્થાપના કરી.

સાઇગોનમાં એક બિસ્માર બિયર ફેક્ટરી ખરીદી બિયરના ધંધામાં ઝુકાવ્યું, પણ ઝાઝી બરકત ન લાગી. કામકાજના ભારે બોજ અને સમયની ખેંચ સાથે જીવતી વિયેતનામી પ્રજાને ચા-કોફીનો ભારે ચસકો લાગેલ હતો. ટ્રાં ક્વિ થાંએ વિચાર્યું: બોટલ્ડ ચા અને અન્ય પીણાં બનાવીને માર્કેટ કર્યાં હોય તો કેવું? આ અગાઉ બોટલ્ડ ટીને માર્કેટ કરવામાં કોઈ કંપની સફળ થઈ ન હતી.

તેમણે યુરોપમાં જર્મનીના એક ટ્રેડ ફેરની મુલાકાત લઈ પીણાંઓનાં બિઝનેસનો અભ્યાસ કર્યો.

ભારે હિંમતભર્યો, જોખમી નિર્ણય લેવા જહેમત પણ ખૂબ કરવી પડે. ટ્રાં ક્વિ થાંએ કુટુંબ સાથે ફેક્ટરી પર જ પોતાનું નિવાસસ્થાન બનાવી રાતદિવસ ભારે મહેનત કરી. તેમની મહેનત રંગ લાવી.

બોટલ્ડ પીણાંઓનાં વેચાણથી શરૂઆત કરી ટ્રાં ક્વિ થાં પોતાની કંપની ટીએચપીનો વિસ્તાર કરતા ગયા. નવી નવી પ્રોડક્ટ્સ ઉમેરાતી ગઈ અને ટીએચપી સમગ્ર વિયેતનામમાં જાણીતી થઈ ગઈ. ટીએચપી ગ્રુપનાં વિવિધ પ્રકારનાં પીણાંઓમાં જાતજાતની હર્બલ ટી, લેમન ટી, એનર્જી ડ્રિંક્સ, સ્પોર્ટ ડ્રિંક્સ આદિનો સમાવેશ થયો.

નાના પાયે શરૂ થયેલ ટીએચપી કંપની વિયેતનામની જાયંટ એફએમસીજી (ફાસ્ટ મુવિંગ કન્સ્યુમર ગુડ્સ) કંપની બની છે, તેનો શ્રેય ટ્રાં ક્વિ થાંની મહેનત, સૂઝબૂઝ અને નિર્ણયશક્તિને જાય છે.

જો કે ટીએચપી અને તેની પ્રૉડક્ટ્સ પર તેનાં ઘટકતત્ત્વો-કંટેંટથી લઈ ક્વોલિટી સુધીના ઘણા પ્રશ્નો ઊઠ્યા છે. સફળતાને કાળું ટીલું લાગે જ. વિરોધ ને વિવાદો પણ છે. પરંતુ અહીં આપણે તે નથી ચર્ચતા. મધુસંચય તથા મારા અન્ય બ્લૉગ્સ પર ક્યારેય કોઈ વાત કોઈ દેશ, વ્યક્તિ કે કંપનીનાં નિરર્થક ગુણગાન ગાવાની નથી હોતી; મુદ્દાની વાત સફળતામાંથી સારપ અને પ્રેરણા લેવાની હોય છે. સામાન્ય મતે લોકશાહીના મુકાબલે સામ્યવાદ ઇચ્છનીય ન હોય; ઘણાના મતે સામ્યવાદની ઘણી દેખીતી મર્યાદાઓ પણ હોય. જે કહો તે, પણ કમ્યુનિસ્ટ શાસનમાં રહીને બિઝનેસને આ સ્તર પર લઈ જવો તે ટ્રાં ક્વિ થાં અને ટીએચપી ગ્રુપની ભવ્ય સફળતા છે.

મધ્યમ વર્ગનું એક બાળક અનાથાલયમાં ઉછરીને, તમામ પડકારો પર જીત મેળવી પ્રસિદ્ધિના શિખરે પહોંચે તે મોટી સિદ્ધિ લેખાય.

** આપ આ લેખ લોકપ્રિય બ્લૉગ ‘મધુસંચય’ પર વાંચી રહ્યા છો **

ટીએચપી ગ્રુપ: આજના વિયેતનામમાં સ્થાન

ટીએચપી ગ્રુપની ત્રણ પ્રોડક્ટ તો વિયેતનામની  નેશનલ બ્રાંડ બની: ઝિરો ડિગ્રીઝ ડ્રિંન્ક ટી’, ‘ડૉ. થાં હર્બલ ટીતથા નંબર 1 એનર્જી ડ્રિંક’.

ટીએચપી ગ્રુપનાં પીણાંઓએ વિશ્વની પ્રથમ નંબરની એનર્જી ડ્રિંક કંપની ઓસ્ટ્રિયા (યુરોપ) ની રેડ બુલ તથા અમેરિકન મલ્ટિનેશનલ જાયંટ્સ કોકાકોલા – પેપ્સીને પણ ચોંકાવી દીધાં છે.

માત્ર 20 કર્મચારીઓ અને પ્રતિવર્ષ દસ લાખ લિટર પીણાંથી શરૂ થયેલ ટીએચપી ગ્રુપ આજે 4000થી વધુ કર્મચારીઓ અને પ્રતિવર્ષ સો કરોડ લિટરના ઉત્પાદન પર પહોંચેલ છે.

વર્તમાન વિયેતનામમાં ટીએચપી ગ્રુપ મોખરાની બેવરિજ કંપની તેમજ પ્રથમ હરોળની એફએમસીજી  કંપની તરીકે ઓળખાય છે.

** * *** *  *  ** *** * **** ** *

મધુસંચય લેખ – સંક્ષેપ: વિયેતનામનો એક સામાન્ય નાગરિક દેશની અગ્રીમ કંપની ટીએચપીનો માલિક:
 • ટ્રાં ક્વિ થાં (ટ્રાન ક્વિ થાન્હ) નો જન્મ વિયેતનામના એક મધ્યમ વર્ગના કુટુંબમાં
 • બાળપણનાં કેટલાંક વર્ષો અનાથાલયમાં
 • ઉત્તર – દક્ષિણ વિયેતનામના જોડાણ પછી નવ-ઉદિત વિયેતનામમાં ટ્રાં ક્વિ થાંએ વિવિધ વ્યવસાયમાં કરી અજમાયેશ
 • 1994માં ટ્રાં ક્વિ થાંએ પોતાની કંપની ટીએચપી ગ્રુપની સ્થાપના
 • ટીએચપી ગ્રુપનાં પીણાંઓમાં જાતજાતની હર્બલ ટી, લેમન ટી, એનર્જી ડ્રિંક્સ, સ્પોર્ટ ડ્રિંક્સ આદિ ભારે લોકપ્રિય
 • ટીએચપીની નેશનલ બ્રાંડ્સ છે : Zero Degrees Drink Tea, Dr Thanh Herbal Tea, Number 1 Energy Drink
 • ટીએચપી ગ્રુપ વિયેતનામની સૌથી મોટી બેવરિજ કંપની અને પ્રથમ હરોળની એફએમસીજી કંપની
 • અવિરત પરિશ્રમ અને ધંધાકીય કોઠાસૂઝથી બિઝનેસ કિંગ બનેલ ટ્રાં ક્વિ થાંની ‘રેગ્સ ટુ રિચીઝ’ જેવી કહાણી

** * *** *  *  ** *** * **** ** *

મધુસંચય લેખ – પૂરક માહિતી: વિયેતનામનો એક સામાન્ય નાગરિક દેશની અગ્રીમ કંપની ટીએચપીનો માલિક
 • વિયેતનામ / વિયેટનામ: Vietnam
 • ટ્રાં ક્વિ થાં (ટ્રાન ક્વિ થાન્હ / ત્રાન ક્વિ થાન્હ): Tran Qui Thanh
 • ટીએચપી ગ્રુપ (તાન હાએપ ફાત/ તાં હાએપ ફાટ): THP Group (Tan Hiep Phat Group)

** * *** *  *  ** *** * **** ** * ** * *** *  *  ** *** * **** ** *

 

 

3 thoughts on “વિયેતનામનો એક સામાન્ય નાગરિક દેશની અગ્રીમ કંપની ટીએચપીનો માલિક

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s