અજાણી-શી વાતો · દેશ- દુનિયા · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

અમેરિકાની સિસ્ટમ જીપીએસ અને ઇસરોની આઇઆરએનએસએસ નેવિક સિસ્ટમ

.

ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) એ મહત્ત્વની ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જીપીએસ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની માલિકીની વ્યવસ્થા છે તે બહુ ઓછા જાણતા હશે. જી હા, જીપીએસ અમેરિકન સરકાર દ્વારા નિયંત્રિત, અમેરિકન સરકારની અંગત માલિકીની સર્વિસ છે.

ભારત સરકારની અવકાશ સંસ્થા ઇસરો સંચાલિત ‘આઇઆરએનએસએસ’ (નાવિક) ભારતીય પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ છે. યુરોપિયન યુનિયન (ઇયુ), રશિયા અને ચીનની પોતાની નેવિગેશન સિસ્ટમ છે, જેનાં નામ અનુક્રમે ગેલિલિયો, ગ્લોનાસ તથા બાઇડુ(બીડુ)  છે. આ બધાંની સાથે વળી નેધરલેન્ડ્ઝ (હોલેંડ) ની કંપની  ટોમટોમ પોતાની વિશિષ્ટ સર્વિસીઝ સાથે નેવિગેશન અને મેપિંગ ક્ષેત્રમાં અગ્રેસર બની રહી છે.

સ્માર્ટ ફોનનાં વધતાં ચલણ સાથે આપણે જીપીએસ જેવી ખાસ સેવાને એવી સ્વાભાવિકતાથી સ્વીકારી લીધી છે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કેવી અજાયબીભરી ટેકનોલોજી છે તે વાતને નજર અંદાજ કરીએ છીએ.

ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (જીએનએસએસ)નો ઇતિહાસ

નેવિગેશન સિસ્ટમની  આવશ્યકતા સૌ પ્રથમ બીજા વિશ્વયુદ્ધ (સેકંડ વર્લ્ડ વોર) વખતે અમેરિકા અને ઇંગ્લેન્ડને મિલિટરી ઉપયોગ માટે સમજાઈ હતી. પોતાનાં યુદ્ધજહાજો અને વિમાનોનાં લોકેશન અને મુવમેંટ પર નજર રાખવા અમેરિકાએ લોરાન નામક ભૂમિ-સ્થિત રેડીયો માર્ગદર્શન વ્યવસ્થા વિકસાવી હતી.

તે સમયે અમેરિકાની નેવલ રિસર્ચ લેબોરેટરી (એનઆરએલ) સાથે સંલગ્ન રૉજર ઇસ્ટન નામના અમેરિકન વૈજ્ઞાનિકે નવી જ વાત કરી: અવકાશમાં – સ્પેસમાં – તરતા મૂકેલા સેટેલાઇટ દ્વારા અમેરિકાના લશ્કરી વાહનોના સ્થાનાંતર પર નજર રાખી શકાય. આ ‘ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ’ (જીએનએસએસ)નો તદ્દન નવો જ કન્સેપ્ટ હતો. મધુસંચય’ના વાચકોને જણાવવાનું કે આ તે જમાનાની વાત છે, જ્યારે અવકાશયાત્રા કે કૃત્રિમ ઉપગ્રહ- સેટેલાઇટ વિષે કોઈએ વિચાર્યું ન હતું. પણ રોજર ઈસ્ટનના વિચાર પર અમેરિકામાં કામ શરૂ થયું.

1957માં રશિયાએ પોતાનો પ્રથમ સેટેલાઇટ સ્પુટનિક-1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં તરતો મૂક્યો. બસ, પછી તો અમેરિકાએ પણ અવકાશમાં સેટેલાઇટ મૂકવા શરૂ કર્યા. અમેરિકાએ જીએનએસએસ માટે ‘નેવસ્ટાર 1 નામનો પ્રથમ સેટેલાઇટ 1978માં લોંચ કર્યો. ટૂંક સમયમાં અન્ય સેટેલાઇટ પણ ઉમેરાયા. 1970ના દાયકામાં રોજર ઇસ્ટને વિચારેલ ‘ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ’ (જીએનએસએસ) હકીકત બની ચૂકી. 1993માં ચોવીસમો સેટેલાઇટ મૂકાતાં અમેરિકાની નેવસ્ટાર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો ઉદય થયો. આમ, પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકેલ સેટેલાઇટથી  પૃથ્વી પર રહેલ સ્થળ કે વાહનનું લોકેશન જાણવું સરળ બન્યું.

અમેરિકાની જીએનએસએસ સેવા વિશ્વને જીપીએસ તરીકે કેવી રીતે ઉપલ્બ્ધ થઈ?

આરંભનાં વર્ષોમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ અમેરિકાએ માત્ર મિલિટરી ઉપયોગ માટે જ રાખ્યો હતો. તેથી, તે ક્યારેક ડીએનએસએસ (ડિફેન્સ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ) નામે પણ ઓળખાતી. તેથી વેપાર-ઉદ્યોગ, સંસ્થાઓ કે સામાન્ય નાગરિકો માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ હજી ઉપલબ્ધ ન હતી. ‘મધુસંચયના વાચકો જાણે છે કે 1980ના દાયકાના આરંભના વર્ષો દુનિયાના સુપરપાવર- અમેરિકા અને રશિયા – વચ્ચે કોલ્ડ વોર પૂરી થવાનાં એંધાણ આપતાં હતાં, પણ યુદ્ધખોર વલણ ત્યજી ન શકતા અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનને કારણે બે મહાસત્તાઓ વચ્ચે ધૂંધવાટ ખૂબ હતો.

આવા સમયે 1 સપ્ટેમ્બર, 1983ના દિવસે એક કરુણ ઘટના બની જેનાથી પૂરું વિશ્વ હચમચી ગયું. અમેરિકા- કોરિયા વચ્ચે ઉડ્ડયન કરતા કોરિયાના એક પેસેંજર બોઇંગ એરોપ્લેનને રશિયાએ તોડી પાડ્યું. કોરિયન એરલાઇન્સની આ ફ્લાઇટ KAL007 અમેરિકાના ન્યૂ યૉર્કથી – અલાસ્કા થઈ – કોરિયાના સિઓલ જઈ રહી હતી. કોરિયન એરલાઇન્સના આ બૉઇંગ 747 એરોપ્લેનમાં 246 પેસેંજર્સ અને 23 ક્રુ મેમ્બર્સ હતાં. ભૂલ પાયલોટની થઈ કે ઑટો પાયલોટ સિસ્ટમની થઈ, જે હોય તે, કોરિયન એરલાઇન્સનું બોઇંગ 747 એરોપ્લેન અલાસ્કાથી સિઓલના રસ્તે માર્ગ ભટકી ગયું અને રશિયાની સરહદમાં ત્રણસો કિલોમીટરથી વધારે ઊંડું ચાલ્યું ગયું. રશિયન એરફૉર્સના વિમાને તેને તોડી પાડ્યું. દાવા-પ્રતિદાવા થતા રહ્યા, પણ 269 તદ્દન નિર્દોષ મુસાફરોના જીવ ગયા.

આ સાથે પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગને જાહેરાત કરી કે સેટેલાઇટથી સંપૂર્ણ સજ્જ થઈ જશે ત્યારે જીએનએસએસ સિવિલિયન યુઝ માટે પણ ઉપલબ્ધ થશે. ત્યાર પછી ક્રમશ: જીપીએસ પ્રકારની સેવાઓ નાગરિક ઉપયોગોમાં ઉપલબ્ધ થતી ગઈ. અમેરિકાના 24 સેટેલાઇટ પૃથ્વી ફરતે ગોઠવાયા પછી જીપીએસ સર્વિસ બહોળા ઉપયોગ માટે સુસજ્જ થઈ. ‘મધુસંચય’ના વાચકોને કદાચ માહિતી હશે કે જીપીએસ પ્રકારની સર્વિસનો ઉપયોગ મોટરકારમાં સૌ પ્રથમ 1995માં અમેરિકાની જનરલ મોટર્સ કંપનીની ઓલ્ડસમોબાઇલ 88કારમાં થયો.

પ્રારંભમાં સિવિલિયન જીપીએસ સર્વિસના નબળા સિગ્નલ્સને કારણે તકલીફો રહેતી હતી. 1996માં અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિંટનની જીપીએસના ‘ડ્યુઅલ યુઝ’ (મિલિટરી અને સિવિલિયન)ની જાહેરાત પછી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની સિવિલિયન સેવાઓ સુધરતી ચાલી છે. મહત્ત્વની વાત એ કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સેવા સંપૂર્ણપણે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની અંગત એસેટ (મિલકત/ સર્વિસ) છે. જીપીએસને અમેરિકાના ડિફેન્સ  ડિપાર્ટમેન્ટે વિકસાવી છે અને તેનું સંચાલન અમેરિકાના એર ફૉર્સના હાથમાં છે. જીપીએસનું અધિકૃત અમેરિકન નામ નેવસ્ટાર જીપીએસ છે.

વિશ્વસ્તરે જીપીએસ પ્રકારની સેવાઓ

અમેરિકન સરકારની ‘માલિકી’ની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ – જીપીએસ– અત્યારે સમગ્ર વિશ્વને ઉપલબ્ધ કરાઈ છે. આમ છતાં અમેરિકાએ 1999માં પાકિસ્તાનના કારગીલ યુદ્ધ સમયે ભારતને મિલિટરી હેતુઓ માટે જીપીએસનો ઉપયોગ ન કરવા દીધો. “મધુસંચયના વાચકોને ગર્વ થશે કે તેના જવાબમાં ભારત સરકારે ઇંડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન – ઇસરો – ની મદદથી પોતાની આગવી જીપીએસપ્રકારની નેવિગેશન સિસ્ટમ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટલાઇટ સિસ્ટમ – ‘આઇઆરએનએસએસ– વિકસાવી.

ઇસરો દ્વારા વિકસાવાયેલ ભારત સરકારની આવી નેવિગેશન સિસ્ટમ આઇઆરએનએસએસ ઇસરોના સાત નાવિક’ (નેવિક) સેટેલાઇટની મદદથી માત્ર ભારત માટે પ્રાદેશિક ધોરણે કાર્યરત છે. યુરોપિયન યુનિયનના દેશોના સહકારથી ઇયુ માટે ગેલિલિયો પોઝિશનિંગ સિસ્ટમ કાર્યાંવિત છે. રશિયા દ્વારા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ –ગ્લોનાસ અને ચીન દ્વારા પોતાની ‘બાઇડુ(બીડુ) નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમપણ ડેવલપ કરાઈ છે.

** ** ** ** **

મધુસંચય લેખ – સંક્ષેપ: ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)
 • ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) પર યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો માલિકી હક
 • તેનું અધિકૃત અમેરિકન નામ ‘નેવસ્ટાર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ’
 • જીપીએસ સંપૂર્ણપણે યુએસએ સરકારની અંગત સિસ્ટમ
 • અમેરિકન સરકાર દ્વારા દુનિયાના તમામ દેશોના ઉપયોગ માટે જીપીએસ ઉપલબ્ધ
 • જીપીએસને વિકસાવાયું અમેરિકાના સંરક્ષણ મંત્રાલય – ડિફેન્સ ડિપાર્ટમેન્ટ – દ્વારા;  હાલ તેનું સંચાલન અમેરિકન એર ફૉર્સ દ્વારા
 • ભારત સરકારે ઇસરોના ‘નેવિક’ સેટેલાઇટની મદદથી વિકસાવી પોતાની પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ ‘આઇઆરએનએસએસ’

** ** ** ** **

મધુસંચય લેખ : ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) : પૂરક માહિતી
 • ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ – જીપીએસ: Global Positioning System -GPS
 • ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ’ – જીએનએસએસ: Global Navigation Satelliten System – GNSS
 • નેવસ્ટાર – નેવિગેશન સિસ્ટમ વિથ ટાઇમિંગ એન્ડ રેન્જિંગ: NAVSTAR – Navigation System with Timing and Ranging – USA
 • નેવસ્ટાર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ: NAVSTAR Global Positioning System – USA
 • રોજર ઇસ્ટન : Roger L Easton
 • નેવલ રીસર્ચ લેબોરેટરી – એનઆરએલ – યુએસએ: Naval Research Laboratory – NRL – USA
 • ગેલિલિયો પોઝિશનિંગ સિસ્ટમ – યુરોપિયન યુનિયન (ઇયુ): Galileo Positioning System – European Union (EU)
 • ગ્લોનાસ – રશિયા: Glonass – Russia
 • બાઇડુ/ બેઇડુ/ બીડુ – ચીન: BeiDou Navigation Satellite System – China – ચીન: BeiDou Navigation Satellite System – China
 • ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન – ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન – ઇસરો: Indian Space Research Organisation (ISRO)
 • ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટલાઇટ સિસ્ટમ – આઇઆરએનએસએસ: Indian Regional Navigation Satellite System(IRNSS)
 • નેવિક / નાવિક : Navigation with Indian Constellation – NAVIC

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

One thought on “અમેરિકાની સિસ્ટમ જીપીએસ અને ઇસરોની આઇઆરએનએસએસ નેવિક સિસ્ટમ

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s