.
અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં મેનહટનના હડસન યાર્ડસની પૉશ લોકાલિટીમાં બ્રિટીશ આર્કિટેક્ટ થોમસ હીધરવિકની ડિઝાઇન મુજબ એક અનોખાં સ્ટેર-કેસ સ્ટ્રક્ચર (staircase structure) ‘વેસલ’નું નિર્માણ થશે, જે ન્યૂ યૉર્ક સીટીમાં વિશિષ્ટ લેન્ડમાર્ક બની રહેશે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ના ઉત્તર-પૂર્વ રાજ્ય ન્યૂ યૉર્ક સ્ટેટનું મહત્ત્વનું શહેર ન્યૂ યૉર્ક સીટી અમેરિકાનું સૌથી મોટું શહેર છે. ‘ગ્લોબલ પાવર સીટી’ તરીકે ઓળખાતાં ન્યૂ યૉર્ક શહેરમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા યુએન (યુનાઇટેડ નેશન્સ, United Nations) નું મુખ્ય મથક છે.
ન્યૂ યૉર્કનું નામ પડે અને આપણને સ્ટેચ્યુ ઑફ લિબર્ટી, ‘ચાર્જિંગ બુલ’ બ્રોન્ઝ સ્ટેચ્યુ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC -9/11), એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ અને ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન (GCT)ની યાદ આવે. ટાઇમ્સ સ્ક્વેર અને સેન્ટ્રલ પાર્ક જેવાં ન્યૂ યૉર્ક શહેરનાં પ્રમુખ લેન્ડમાર્કને કોણ ન જાણે?
હવે ન્યૂ યૉર્ક શહેરમાં હડસન યાર્ડસમાં નિરાળા લેન્ડમાર્કનો ઉમેરો થવાનો છે.
તે છે બ્રિટીશ આર્કિટેક્ટ થોમસ હીધરવિકનું- સોળ માળ ઊંચું, પગથિયાં-નિસરણીઓથી બનેલ 150થી વધારે સીડીઓ (સ્ટેર્સ) ધરાવતું વિશ્વનું અનોખું સ્ટેરકેસ સ્ટ્રક્ચર. હાલમાં આ સ્ટેરકેસ સ્ટ્રક્ચરને ‘વેસલ’ નામ આપવામાં આવ્યું છે. થોમસ હીધરવિકનું ‘વેસલ’ એક સ્થાપત્ય હશે, સ્ટ્રક્ચર હશે, નોખી ભાતનું બિલ્ડિંગ હશે. અમેરિકાનું ટુરિસ્ટ આકર્ષણ બનનાર હીધરવિકનું ‘વેસલ’ ન્યૂ યૉર્ક સીટીને એક નવી જ પિછાણ આપશે.
ન્યૂ યૉર્ક શહેર હડસન નદીના કાંઠે વસેલ છે. ‘મધુસંચય’નાં વાચકો જાણતાં હશે કે અમેરિકાના ઉત્તર-પૂર્વ કિનારે ન્યૂ યૉર્ક પાસે હડસન નદી નોર્થ એટલાન્ટિક મહાસાગરમાં સમાય છે. ન્યૂ યૉર્કનું બંદર વિશ્વનાં સૌથી મોટાં કુદરતી બંદરોમાંનું એક છે. ન્યૂ યૉર્કના મિડ ટાઉન મેનહટનના પશ્ચિમ કિનારે હડસન રિવરના કાંઠે ‘હડસન યાર્ડસ’ નવીન વિકાસ પામતી પૉશ લોકાલિટી છે. અમેરિકાના નામાંકિત રિયલ એસ્ટેટ ડેવલપર સ્ટિફન એમ. રોસની વિશ્વપ્રસિદ્ધ કંપની ‘ધ રીલેટેડ કંપનીઝ’ ‘હડસન યાર્ડસ’ પ્રૉજેક્ટને વિકસાવી રહી છે.
‘હડસન યાર્ડસ’ની વેબસાઇટ મુજબ ‘હડસન યાર્ડસ’ ‘a new neighbourhood for the next generation’ છે. ‘હડસન યાર્ડસ’ મેનહટનનો એ વિસ્તાર છે જ્યાં ‘people come together to work, live and play’. અહીં યંગ અમેરિકનને આકર્ષે તેવાં, વૈભવી અને અત્યાધુનિક સગવડો સાથેનાં ઓફિસ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ ઊભાં થઈ રહ્યાં છે. એચબીઓ (HBO), સીએનએન (CNN), ટાઇમવૉર્નર (TimeWarner), L’Oreal, KKR આદિ ટોચની અમેરિકન અને મલ્ટીનેશનલ કંપનીઝ સ્ટિફન રોસના આ ડ્રીમ પ્રૉજેક્ટ ‘હડસન યાર્ડસ’માં આવી રહી છે. તેનાં પબ્લિક સ્ક્વેર તથા બાગ-બગીચાઓની ડિઝાઇન લેન્ડસ્કેપ આર્કિટેક્ટ નેલ્સન વોલ્ટ્ઝની દોરવણી નીચે થઈ છે.
‘હડસન યાર્ડસ’ના વિશાળ પબ્લિક સ્ક્વેરની મધ્યમાં, નયન રમ્ય પ્લાઝા પર સ્ટેર-કેસ સ્ટ્રક્ચર ‘વેસલ’નું નિર્માણ થશે. બ્રિટીશ આર્કિટેક્ટ થોમસ હીધરવિક દ્વારા સ્ટેરકેસ સ્ટ્રક્ચર ‘વેસલ’ની ડિઝાઇન બનાવાઈ છે.
લંડન ઑલિમ્પિક્સ (2012) માટેની મશાલ-ટોર્ચ (Olympic Cauldron)ની ડિઝાઇન કરનાર બ્રિટીશ આર્કિટેક્ટ થોમસ હીધરવિક તાજેતરમાં ગુગલ માઉન્ટેન વ્યુ કેમ્પસ (માઉન્ટેન વ્યુ, કેલિફોર્નિયા) પ્રૉજેક્ટને કારણે વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યા છે. અગાઉ લંડનની નવી ડબલ ડેકર બસ ‘રૂટમાસ્ટર’, રોલિંગ બ્રિજ લંડન આદિની ડિઝાઇન માટે હીધરવિકને નામના મળેલ છે. એક મઝાની વાત એ છે કે ભારતીય વાવ (Indian step-well) પણ હીધરવિકના ‘વેસલ’ માટે એક પ્રેરણાસ્રોત બનેલ છે.
અમેરિકાનું ન્યૂ યૉર્ક શહેર મુવમેન્ટ-મોશન-ઊંચાઈ માટે વિખ્યાત છે. થોમસ હીધરવિકના મુજબ 150 ફૂટ ઊંચા સ્ટેરકેસ સ્ટ્રક્ચર ‘વેસલ’ની ડિઝાઇન પાછળ ‘Lift people up’ની ભાવના રહેલી છે. તદ્દન જુદા જ પ્રકારની ડિઝાઇન ધરાવતા ‘વેસલ’માં 2500 પગથિયાંઓ અને 80 જેટલાં લેંડિંગ્સ હશે, જે 150થી વધારે સીડીઓ (સ્ટેર્સ)ને ઇન્ટર કનેક્ટ કરશે. ‘વેસલ’ની દોઢસોથી વધુ સીડીઓ ડાબી-જમણી-ઉપર ઇન્ટર કનેક્ટ થતાં થતાં સોળ માળની ઊંચાઈને આંબશે. દરેક લેંડિંગ પરથી- દરેક સીડી પરથી ચોતરફ ફેલાયેલા- સ્ટિફન રોસના એમ્બિશિયસ પ્રૉજેક્ટ- ‘હડસન યાર્ડસ’ની વિધ વિધ રીતે ઝાંખી થશે. પબ્લિક સ્ક્વેરના પાર્કમાં 30000 જેટલાં પ્લાન્ટ્સ ઉગાડવામાં આવશે.
થોમસ હીધરવિકનું આ મહત્ત્વાકાંક્ષી સ્થાપત્ય સ્ટેર-કેસ સ્ટ્રક્ચર ‘વેસલ’ આશરે 100 મિલિયન ડોલરથી વધુ ખર્ચે 2018 સુધીમાં બની રહેશે.
થોમસ હીધરવિકનું ‘વેસલ’ આગામી વર્ષોમાં ન્યૂ યૉર્ક શહેર અને અમેરિકા માટે વિશિષ્ટ લેન્ડમાર્ક બની રહેશે.
** ** ** **
‘મધુસંચય’ સંક્ષેપ:
- અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં ‘હડસન યાર્ડસ’ (મેનહટન) માં બ્રિટીશ આર્કિટેક્ટ થોમસ હીધરવિકની ડિઝાઇન મુજબ એક અનોખું સ્ટેરકેસ સ્ટ્રક્ચર ‘વેસલ’ નું નિર્માણ થશે.
- ન્યૂ યૉર્ક શહેર (ન્યૂ યૉર્ક રાજ્ય, અમેરિકા) (New York city, New York State, USA)
- ‘હડસન યાર્ડસ’, મેનહટન, ન્યૂ યૉર્ક સીટી (Hudson Yards, Manhattan, New York)
- સ્ટેરકેસ સ્ટ્રક્ચર ‘વેસલ’ (Vessel, the staircase structure)
- થોમસ હીધરવિક / ટોમસ હિધરવિક (Thomas Heatherwick 1970-)
- ગુગલ માઉન્ટેન વ્યુ કેમ્પસ (Google Mountain View Campus, Mountain View, California, USA)
- સ્ટિફન એમ. રોસ (સ્ટીફન રોસ/રૉસ) (Stephen M. Ross 1940-)
- લેન્ડસ્કેપ આર્કિટેક્ટ નેલ્સન વોલ્ટ્ઝ /વોલ્ટઝ (Nelson Byrd Woltz)
- લંડન ઑલિમ્પિક્સ 2012, લંડન, યુકે (London Olympics 2012, London, UK)
*** * ** * *** * *** * * **
4 thoughts on “ન્યૂ યૉર્ક સીટીના હડસન યાર્ડસમાં થોમસ હીધરવિકનું સ્ટેરકેસ સ્થાપત્ય ‘વેસલ’”