.
આપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિસ્તરતા વિજ્ઞાનથી પરિચિત છો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સિરિ, વિવ તથા ડેગ કિટ્લૉસ (ડેગ કિટ્ટલાસ) વિષે લેખ ‘મધુસંચય’ પર માર્ચ, 2016માં પ્રગટ થયેલ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બહોળા વિસ્તારમાં ‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’ એક ઉપયોગી પરંતુ વિવાદાસ્પદ ક્ષેત્ર છે.
‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’ શબ્દ બાયોલોજીના શબ્દપ્રયોગ ‘ઑટોનોમસ નર્વસ સિસ્ટમ’ (અનિચ્છાવર્તીય જ્ઞાનતંત્ર) પરથી પ્રેરિત છે. ‘ઑટોનોમસ નર્વસ સિસ્ટમથી- માનવીની સહેતુક દખલ વિના- શરીરનાં એન્ઝાઇમ્સ કે હોર્મોન્સની કામગીરી થતી રહે છે, વળી હાર્ટ અને કીડની જેવા અવયવો કામ કરતાં રહે છે. આ જ રીતે ‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’ સ્વનિર્ભરતા કે સ્વતંત્રતાથી કાર્ય કરતી કમ્પ્યુટર સિસ્ટમ છે.
‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’નું ક્ષેત્ર એવું તો વિશાળ છે કે તેને સરળ ભાષામાં મૂકી ન શકાય. તો આપણે ‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’ પર એક ઊડતી નજર નાખીશું?
‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’ના પાયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો રોલ છે; પરંતુ હકીકતમાં તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ નન-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિક્સથી દોરવાતી સ્વયંસંચાલિત પ્રણાલી છે. ‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’ એક એવી ‘સેલ્ફ-મેનેજિંગ’ કમ્પ્યુટર સિસ્ટમ છે જે લગભગ સંપૂર્ણપણે સ્વનિર્ભર અને સ્વતંત્ર છે; જે સમગ્ર સિસ્ટમની બહુવિધ કામગીરી (એપ્લિકેશન્સ કે પ્રોગ્રામ્સ) ને આવશ્યકતા અનુસાર જાતે જ સંભાળી શકે છે; ઑપરેટર કે યુઝરના સૂચન કે દખલ વિના પણ સૂચવેલ જટિલ કામગીરી કરી શકે છે; પોતાના આંતરિક ઘટકોની કાર્યક્ષમતા પર નિગરાની રાખે છે; કોઈ સમસ્યા કે જોખમ આવી પડે તો તેનું નિરાકરણ પણ સ્વતંત્રતાથી ત્વરિત રીતે નિર્ણય લઈ જાતે જ કરી શકે છે.
વાચક મિત્રો! આપ ‘ક્લાઉડ કમ્પ્યુટિંગ’ વિષે જાણો છો ને?
‘ક્લાઉડ કમ્પ્યુટિંગ’ની સફળતામાં ‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’નો મોટો ફાળો છે. ‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’નો વ્યાવહારિક ઉપયોગ આધુનિક મોટરકારમાં ‘એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ’, સ્ટિયરિંગ વ્હીલ સેંસર અને ગાયરોસ્કોપિક સેંસર જેવાં ઉપકરણો હોય છે જે ‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’ પર કામ કરે છે. આવાં ઉપકરણોને લીધે અસામાન્ય સંજોગોમાં મોટર કારનું કોઈ વ્હીલ લોક થતું રોકી શકાય છે; કારને સ્કિડ થતાં રોકી શકાય છે અને સ્ટિયરિંગ વ્હીલ પરનો કંટ્રોલ સાબૂત રહી શકે છે. આમ, ‘ઑટોનોમિક કમ્પ્યુટિંગ’નાં સિદ્ધાંત પર કામ કરતાં આવાં ઉપકરણો કારને અકસ્માતથી બચાવે છે. મારુતિ, નિસાન, શેવરોલે, ફોર્ડ, હ્યુન્ડાઇ, ફોક્સવેગન આદિ કાર કંપનીઓની મોટરકારનાં કેટલાંક મોડલોમાં આવાં સેફ્ટી ઉપકરણો ઉપલબ્ધ છે.
.* * * * *
મધુસંચય સંક્ષેપ:
આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ / આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ( Artificial Intelligence )
ઑટોનોમસ નર્વસ સિસ્ટમ ( Autonomus Nervous System )
ઑટોનોમિક કમ્પ્યુટિંગ / કમ્પ્યૂટિંગ ( Autonomic Computing )
* * * * *
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ વિશે આ લેખ વાંચશો.
આધુનિક સંશોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા વિશે આ લેખ વાંચશો.
One thought on “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઑટોનોમિક કમ્પ્યુટિંગ”