અજાણી-શી વાતો · ઇતિહાસ · પ્રકીર્ણ · વિજ્ઞાન · સમાચાર-વિચાર · સામાન્ય જ્ઞાન

કિપ થોર્ન, ઇન્ટરસ્ટેલર, સ્ટિફન હૉકિંગ અને બ્લેક હોલ

.

અમેરિકાના અગ્રગણ્ય ફિઝિસિસ્ટ કિપ થોર્ન તાજેતરમાં સાયન્સ ફિક્શન ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ના બ્લેક હોલ – વોર્મ હોલ તથા લિગો સાયન્ટિફિક કોલૅબરેશનના ગ્રેવિટેશનલ વેવ્ઝ ડિટેક્શનને લીધે ભારે પ્રસિદ્ધિમાં રહ્યા છે.

અમેરિકાના કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (કેલ્ટેક Caltech)ના ભૌતિક વિજ્ઞાની કિપ થોર્ન વિશ્વપ્રસિદ્ધ બ્રિટીશ વૈજ્ઞાનિક કોસ્મોલોજીસ્ટ સ્ટિફન હૉકિંગ (સ્ટીફન હોકિંગ) ના મિત્ર છે. અમેરિકન એસ્ટ્રોનોમર કાર્લ સગાન (કાર્લ સાગાન) સાથે પણ કિપ થોર્નને મિત્રતા હતી.

સ્ટિફન હોકિંગ સાથે કિપ થોર્ન વર્તમાન યુગના પ્રથમ પંક્તિના થિયોરેટિકલ ફિઝિસિસ્ટ છે. બંનેએ એસ્ટ્રોફિઝિક્સમાં વિશેષ ફાળો આપ્યો છે. સ્ટિફન હૉકિંગ અને કિપ થોર્ન બંનેએ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ‘જનરલ થિયરી ઑફ રિલેટિવિટી’ને એસ્ટ્રોફિઝિક્સ તથા કોસ્મોલોજીના ક્ષેત્રોમાં ઉજાગર કરી છે.

ઇંગ્લેન્ડમાં જન્મેલા સ્ટિફન હૉકિંગ (1942-) માત્ર એકવીસ વર્ષની વયે સ્નાયુ-જ્ઞાનતંતુના એક અસાધારણ રોગ (મોટર-ન્યુરોન ડિસીઝ ALS)નો ભોગ બનતાં શારિરીક હલનચલનની શક્તિ ગુમાવતા ગયા. ઓક્સફર્ડમાં ભણતા યુવાન હૉકિંગને ડોક્ટરોએ માંડ બે વર્ષની જિંદગી બાકી રહી હોવાનું જણાવ્યું.

મજબૂત મનોબળના સહારે 1966માં હૉકિંગે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી.

આઇન્સ્ટાઇનની ‘જનરલ થિયરી ઑફ રિલેટિવિટી’ અને ભૌતિકશાસ્ત્રના ક્વોન્ટમ મિકેનિક્સના સંકલનથી સ્ટિફન હોકિંગે કોસ્મોલોજીમાં નવા ચીલા ચાતર્યા. બ્રહ્માંડ (યુનિવર્સ) ની ઉત્પત્તિ તથા સંરચના વિષે – ખાસ તો ટાઇમ-સ્પેસ અને બ્લેક હોલ અંગે – સ્ટિફન હૉકિંગની થિયરીઝ ગહન છે. સ્ટિફન હૉકિંગના બેસ્ટ-સેલર પુસ્તક ‘અ બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઇમ’ની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના અમેરિકાના એસ્ટ્રોનોમર કાર્લ સગાન (કાર્લ સાગાન) દ્વારા લખાઇ હતી.

અમેરિકામાં જન્મેલા કિપ થોર્ન (1940-) કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીના વિદ્યાર્થી. થોર્ને 1965માં પીએચડી પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી કર્યું (યાદ રહે કે એક સમયે આઇન્સ્ટાઇન પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા). આઇન્સ્ટાઇને થિયરી ઓફ રિલેટિવિટીના આધારે ભાખેલા ગ્રેવિટેશનલ વેવ્ઝની પ્રાયોગિક સાબિતી માટે કિપ થોર્ન ઉત્સુક હતા. કેલ્ટેક(Caltech) ના કિપ થોર્ન, રોનાલ્ડ ડ્રેવર અને એમઆઇટીના રેઇનર વેઇઝના પ્રયાસોથી ગ્રેવિટેશનલ વેવ્ઝ ડિટેક્શન માટે મહત્વાકાંક્ષી લિગો પ્રૉજેક્ટ બન્યો. ‘મધુસંચય’ના વાચકમિત્રો જાણે છે કે લિગો (LIGO) અર્થાત લેઝર ઈન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ-વેવ ઑબ્ઝર્વેટરી. અમેરિકાનાં બે રાજ્યો વોશિંગ્ટન અને લુઝિયાના સ્ટેટ્સમાં ગ્રેવિટેશનલ વેવ્ઝને પરખવા ઈન્ટરફેરોમીટર જેવાં અત્યાધિક સંવેદનશીલ ઉપકરણો ધરાવતી બે લિગો ઓબ્ઝર્વેટરી આવેલી છે. તેનું સંચાલન થોર્ન – ડ્રેવર – વેઇઝની નિગરાનીમાં લિગો સાયન્ટિફિક કોલૅબરેશન કરે છે. કહેવાય છે કે ગ્રેવિટેશનલ વેવ્ઝ ડિટેક્શન બદલ આ વૈજ્ઞાનિક-ત્રિપુટીને નૉબેલ પ્રાઇઝ પણ મળી શકે!

કિપ થોર્નને હૉલિવુડના ફિલ્મનિર્માણ ક્ષેત્રમાં રસ છે. જોનાથન નોલાનની સાય-ફાય (sci-fi) મુવિ ‘ઇન્ટરસ્ટેલર’ના નિર્માણમાં કિપ થોર્નનું બહુમૂલ્ય યોગદાન છે. હૉલિવુડના મશહૂર ડાયરેક્ટર – સ્ક્રિપ્ટ રાઇટર ભાઇઓ ક્રિસ્ટોફર નોલાન- જોનાથન નોલાનની ‘ઇન્ટરસ્ટેલર’ ફિલ્મમાં વોર્મ હોલ તથા બ્લેક હોલના કન્સેપ્ટને સફળતાથી સ્ટોરીમાં વણવા માટે થોર્ને ખૂબ જહેમત ઉઠાવી છે. કિપ થોર્ન વગર બ્લેક હોલને આટલી વાસ્તવિકતાથી સ્ક્રીન પર દર્શાવી શકાત? થોર્નની કલ્પનાશક્તિ ‘ઇન્ટરસ્ટેલર’ ફિલ્મના મુખ્ય આકર્ષણરૂપ વોર્મ હોલ – બ્લેક હોલના પિક્ચરાઇઝેશનમાં કેવી ઝળકી ઊઠે છે!

** તા.ક.-

પ્રિય વાચકમિત્રો!

આપને આ પોસ્ટ વાંચવામાં જરા તકલીફ પડશે. સ્ટિફન હૉકિંગને સ્ટિફન હોકિંગ, સ્ટીફન હૉકિંગ કે સ્ટીફન હોકિંગ કે વળી હૉકીંગ કે હોકીંગ તરીકે ઓળખવા ? મેં જુદી જુદી જોડણીથી ગુજરાતીમાં ‘ગુગલ સર્ચ’ પર શોધ કરી, તો સાવ જુદાં જુદાં પરિણામો મળ્યાં! સ્ટિફન હૉકિંગ ગુજરાતી મીડિયામાં સ્ટિફન હોકિંગ કે સ્ટીફન હૉકિંગ કે સ્ટીફન હોકિંગ કે સ્ટિફન હૉકીંગ કે સ્ટિફન હોકીંગ કે સ્ટીફન હૉકીંગ કે સ્ટીફન હોકીંગ તરીકે પણ લખાયેલ છે. કાર્લ સગાન તો કાર્લ સાગાન કે કાર્લ સેગન પણ હોઇ શકે!! આજ પ્રમાણે કિપ થોર્ન પણ કીપ થોર્ન હોઇ શકે!!!

ગુજરાતી ભાષાનાં જુદાં જુદાં પ્રકાશનોમાં – વર્તમાન પત્રો, મેગેઝિનો (કે મેગેઝિન્સ) – માં અંગ્રેજી શબ્દોની જોડણી એટલી ભિન્ન ભિન્ન રીતે થાય છે કે ગુજરાતી ગુગલ સર્ચ પર ઇચ્છિત પરિણામ શોધતાં થાકી જવાય છે! ભારે નિરાશાજનક પરિસ્થિતિ છે. આનો ઉપાય સૂચવશો?

ક્ષમાયાચના! વાચકમિત્રો!

. .

8 thoughts on “કિપ થોર્ન, ઇન્ટરસ્ટેલર, સ્ટિફન હૉકિંગ અને બ્લેક હોલ

Please write your Comment