અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા · પ્રકીર્ણ · સામાન્ય જ્ઞાન

લંડનના પાર્લમેન્ટ હાઉસમાં આગ અને ટેલિ સ્ટિક્સ

.

 યુકે (ઇંગ્લેન્ડ) ની રાજધાની લંડનમાં ટેમ્સ (થેમ્સ) નદીના કિનારે પાર્લમેન્ટ હાઉસની ભવ્ય ઇમારત ખડી છે.

યુનાઇટેડ કિંગ્ડમની પાર્લમેન્ટનાં બંને ગૃહો – હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડસ – ની જ્યાં બેઠક થાય છે, તે પાર્લમેન્ટ હાઉસને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આવાં મહત્ત્વનાં બિલ્ડીંગમાં ટેલિ સ્ટિક્સ જેવી સાધારણ વસ્તુઓના કારણે આગ લાગે તે નવાઇની વાત, ખરું ને?

લંડન શહેર યુકેનું જ નહીં, યુરોપનું પણ મહત્ત્વપૂર્ણ શહેર છે. તેને વિશ્વની આર્થિક રાજધાની તરીકે પણ નવાજવામાં આવ્યું છે. યુકેનું આ કેપિટલ સીટી આશરે બે હજાર વર્ષના ઇતિહાસનું સાક્ષી છે. લંડન શહેરના પ્રવાસીઓને બકિંગહામ પેલેસ, ટ્રફાલ્ગર સ્ક્વેર, પિકાડિલી સર્કસ, વેક્સ મ્યુઝિયમ, લંડન આઇ, બિગ બેન ટાવર (એલિઝાબેથ ટાવર), પાર્લમેન્ટ હાઉસ જેવાં અસંખ્ય ટુરિસ્ટ આકર્ષણો મોહી લે છે.

વિશ્વની પ્રાચીન લોકશાહીના રક્ષક તરીકે ઇંગ્લેન્ડની સંસદ (પાર્લમેન્ટ / પાર્લામેન્ટ / પાર્લિયામેન્ટ) નું વિશિષ્ટ સ્થાન છે. બ્રિટીશ પાર્લમેન્ટનાં બંને ગૃહો – ઉપલું ગૃહ (House of Lords) તથા નીચલું ગૃહ (House of Commons) – ની બેઠક હાઉસ ઓફ પાર્લમેન્ટ (પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર) માં યોજાતી હોય છે.

આજે લંડનની ટેમ્સ (થેમ્સ) નદી પર ઊભેલ બિલ્ડીંગને આપણે પાર્લમેન્ટ હાઉસ કહીએ છીએ, ત્યાં અસલમાં ઇંગ્લેન્ડના રાજ્યકર્તાઓનો શાહી મહેલ હતો. અગિયારમી સદીમાં બંધાયેલ આ શાહી મહેલ બ્રિટીશ રાજવીઓના નિવાસસ્થાનરૂપે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તરીકે ઓળખાતો. તેરમી સદીથી તેમાં પાર્લમેન્ટની બેઠકો પણ થવા લાગી. સોળમી સદીની શરૂઆતમાં એક આગના લીધે વેસ્ટમિન્સ્ટર પેલેસને નુકસાન થયું. સમારકામ પછી રીનોવેટ થયેલા બિલ્ડીંગમાં પાર્લમેન્ટની બેઠકો અને દેશનાં વહીવટી કામો થવાં લાગ્યાં. ત્યારે એક્ષ્ચેકર તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડના આર્થિક વિભાગનો કેટલોક વહીવટ પણ પાર્લમેન્ટ હાઉસમાં થતો.

આજથી ત્રણસો- ચારસો વર્ષ પૂર્વે આજનાં જેવી હિસાબ-કિતાબની પદ્ધતિઓ ન હતી. પ્રજા પાસેથી શેરીફ જેવા અમલદારો ટેક્સ ઉઘરાવે અને તે એક્ષ્ચેકરની સરકારી તિજોરીમાં જમા કરાવે. તેના હિસાબની નોંધરૂપે- રેકોર્ડરૂપે એક ખાસ પ્રકારના લાકડાના ટુકડાઓનો ઉપયોગ થતો. પ્રત્યેક લાકડાનો ટુકડો અજબ રીતે હિસાબ રાખતો. આ લાકડાના ટુકડા પર જુદા જુદા પ્રકારના અર્થપૂર્ણ કાપાઓ (ટેલિ માર્ક્સ Tally marks) પાડી હિસાબની નોંધ રખાતી. પછી તેનાં વચમાંથી બે ફાડિયાં કરી એક ફાડિયું સરકારી તિજોરીમાં રહેતું, બીજું ફાડિયું નાણાં જમા કરાવનારને મળતું. ફાડિયાં એ રીતે કરાતાં કે દરેક ફાડિયાને આડીઅવળી ખાંચ હોય અને દરેક ફાડિયા પર કાપા દેખાતા હોય. જ્યારે પણ હિસાબ મેળવવાનો થાય ત્યારે બંને પક્ષનાં ફાડિયાં એકબીજાની ખાંચમાં ‘ફિટ’ બેસવાં જોઇએ અને કાપા પણ અનુરૂપ હોવા જોઇએ. આ પ્રકારના કાપા (ટેલિ માર્ક્સ Tally marks) ધરાવતી વુડન સ્ટિક (નાની લાકડી) ટેલિ સ્ટિકના નામથી ઓળખાતી. આવી ટેલિ સ્ટિક્સ પાર્લમેન્ટ હાઉસના એક્ષ્ચેકરના સરકારી ભંડારમાં રહેતી. હિસાબ સેટલ થયે, સમયાંતરે જૂની ટેલિ સ્ટિક્સને બાળી નાખવામાં આવતી.

16 ઑક્ટોબર, 1834નો તે દિવસ. પાર્લમેન્ટ હાઉસમાં જૂની, બિન ઉપયોગી ટેલિ સ્ટિક્સને બાળવામાં આવી રહી હતી ત્યારે તેમાંથી ભારે આગ ભભૂકી ઊઠી. જોતજોતામાં તે પ્રાંગણમાં પ્રસરી જતાં પાર્લમેન્ટ હાઉસને ખાસ્સું નુકશાન થયું. તે સમયે યુનાઇટેડ કિંગ્ડમની ગાદી પર કિંગ વિલિયમ ફોર્થ ( રાજા ચોથા વિલિયમ King William IV ) હતા. રાજા ફોર્થ વિલિયમે પોતાનો બકિંગહામ પેલેસ પાર્લમેન્ટની બેઠકો યોજવા માટે આપવા તૈયારી બતાવી. પણ પાર્લમેન્ટને કે વહીવટી તંત્રને તેમાં રસ ન હતો.

પાર્લમેન્ટ હાઉસના સમારકામ સાથે પુન:નિર્માણનું કામ ઇંગ્લેન્ડના મશહૂર આર્કિટેક્ટ ચાર્લ્સ બેરિ (Charles Barry)ને સોંપાયું. ઑગસ્ટસ પ્યુજિન (Augustus Pugin) નામના બાહોશ સ્થપતિની મદદથી ચાર્લ્સ બેરિએ નવીન રૂપ-સાજસજ્જા સાથે પાર્લમેન્ટ હાઉસને ભવ્યતાથી રિનોવેટ કર્યું. 1859માં બિગ બેન ટાવર પરની વિશાળકાય ટાવર ક્લોકને ચાલુ કરવામાં આવી. લગભગ આ દાયકાઓમાં ઇંગ્લેન્ડના શાહી મહેલ બકિંગહામ પેલેસનું પુન: નિર્માણ જહોન નેશ (John Nash) તથા એડવર્ડ બ્લોર (Edward Blore) નામના કાબેલ સ્થપતિ-નિર્માણકર્તાઓની મદદથી કરવામાં આવ્યું.

આજે જ્યારે ‘લંડન આઇ’ ટેમ્સ (થેમ્સ) નદીના એક કિનારા પર પ્રવાસીઓને આનંદ આપે છે, ત્યારે બીજા કિનારા પર બિગ બેન ટાવર (એલિઝાબેથ ટાવર) ને અડીને ભવ્યાતિભવ્ય પાર્લમેન્ટ હાઉસ સૌને મંત્રમુગ્ધ કરે છે.

 .

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s