.
ટેસ્લા શબ્દ કાને પડતાં અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કની ‘ટેસ્લા’ ઇલેક્ટ્રિક કાર કંપની યાદ આવે. પણ આજે ‘મધુસંચય’માં અમેરિકાના સંશોધક – વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાની વાત કરીશું જેમણે ફિઝિક્સમાં ઇલેક્ટ્રિસિટીના ક્ષેત્રે ઑલ્ટર્નેટ કરન્ટ સિસ્ટમ (Alternate Current System) વિકસાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. નિકોલા ટેસ્લાએ થોમસ આલ્વા એડિસનની ડાયરેક્ટ કરન્ટ સિસ્ટમને પડકારી અને તત્કાલીન અમેરિકન ઉદ્યોગપતિ વેસ્ટિંગહાઉસના સાથમાં ઑલ્ટર્નેટ કરન્ટ સિસ્ટમ (AC system) ને વ્યવહારમાં પ્રચલિત કરી.
નિકોલા ટેસ્લાનો જન્મ યુરોપમાં 1856માં 10 જુલાઈના રોજ હાલના ક્રોએશિયામાં (ત્યારે ઑસ્ટ્રિયા-હંગેરિયન એમ્પાયરનો એક ભાગ) થયો હતો. સર્બિયન માતા-પિતાના પુત્ર ટેસ્લાની પ્રારંભિક કારકિર્દી ગ્રાઝ, પ્રાગ અને બુડાપેસ્ટ જેવા શહેરોમાં ઘડાઈ. 1884માં 28 વર્ષના ટેસ્લાએ યુરોપને અલવિદા કહી અમેરિકાની ધરતી પર પગ મૂક્યો. નિકોલા ટેસ્લા પાસે ખિસ્સાંમાં ફૂટી કોડી ન હતી, પણ બુદ્ધિપ્રતિભા અને આત્મવિશ્વાસની મોટી મૂડી હતી.
તે સમયે અમેરિકા વૈજ્ઞાનિક શોધખોળો અને ઔદ્યોગિક પ્રગતિના જોરે હરણફાળ ભરતો દેશ હતો. અમેરિકામાં સંશોધન ક્ષેત્રે મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનનું મોટું નામ હતું. નિકોલા ટેસ્લાએ ન્યૂ યોર્કમાં થોમસ એડિસન સાથે ઇલેક્ટ્રિસિટીના ક્ષેત્રે નવીન પ્રયોગો આરંભ્યા. પરંતુ બંને વચ્ચે મતભેદ અને મનભેદ ઊભા થતાં ટેસ્લા અને એડિસન છૂટાં પડ્યાં અને જીવનભર વિરોધી પ્રતિસ્પર્ધી બની રહ્યાં.
થોડાં વર્ષોમાં એડિસને લાઇટ બલ્બની શોધ કરી. ઘરે ઘરે ઇલેક્ટ્રિસિટી અને લાઇટ બલ્બથી પ્રકાશ પહોંચાડવા એડિસનને પોતાની ડાયરેક્ટ કરન્ટ સિસ્ટમ (DC system) યોગ્ય લાગી. થોમસ આલ્વા એડિસનને વીજવિતરણના વ્યાપારી ક્ષેત્રે જ્યોર્જ વેસ્ટિંગહાઉસ નામક કટ્ટર હરીફ ઉદ્યોગપતિનો સામનો કરવો પડ્યો.
થોમસ એડિસન ડાયરેક્ટ કરન્ટ સિસ્ટમના હિમાયતી, જ્યારે જ્યોર્જ વેસ્ટિંગહાઉસ ઑલ્ટર્નેટ કરન્ટ સિસ્ટમના સમર્થક. આવી ‘કરો-યા-મરો’ જેવી સ્પર્ધામાં જ્યોર્જ વેસ્ટિંગહાઉસને નિકોલા ટેસ્લાનો સાથ મળ્યો. ટેસ્લાએ એસી કોઇલનો સફળ પ્રયોગ કર્યો હતો. ટેસ્લાની એસી મોટર વીજવિતરણ માટે ઉપયોગી સાબિત થઈ.
1892-93માં શિકાગો (યુએસએ)માં ‘શિકાગો કોલંબિયન એક્સ્પોઝિશન’ નામે વર્લ્ડ ફેર યોજાયેલ. અમેરિકામાં કોલંબસના આગમન (1492) ને 400 વર્ષ પૂરા થયાના અવસરે આ શિકાગો વર્લ્ડ ફેરનું આયોજન થયેલ. 1893ના મે-ઓક્ટોબર દરમ્યાનના આ વર્લ્ડ ફેરમાં અઢી કરોડ મુલાકાતીઓ નોંધાયા હતા. આવા જંગી ‘શિકાગો કોલંબિયન એક્સ્પોઝિશન’માં ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવાનો કોન્ટ્રેક્ટ વેસ્ટિંગહાઉસ કોર્પોરેશનને મળ્યો. અહીં ટેસ્લાએ પોતાની એસી સિસ્ટમનું નિદર્શન કર્યું. વેસ્ટિંગહાઉસને સકારાત્મક પ્રતિસાદ મળ્યો. 1895માં ટેસ્લાએ નાયગરા ફોલ્સ પર અમેરિકાના પ્રથમ એસી હાયડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાંટની ડિઝાઇન બનાવી. 1896માં વેસ્ટિંગહાઉસ-નિકોલા ટેસ્લાના નાયગરા એસી હાયડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાંટમાં ઉત્પન્ન થતી વીજળી બફલો, ન્યૂ યોર્કને સપ્લાય થવી શરૂ થઈ. પછી તો વિશ્વભરના શહેરોમાં વીજ વિતરણ વ્યવસ્થા માટે એસી સિસ્ટમ પ્રચલિત બની. આમ, ઇલેક્ટ્રિસિટીના ઑલ્ટર્નેટ કરન્ટ સિસ્ટમને વ્યાવહારિક રૂપે સ્થાપિત કરવાનો શ્રેય નિકોલા ટેસ્લાને જાય છે.
નિકોલા ટેસ્લાએ વિજ્ઞાન ક્ષેત્રે બહુવિધ સંશોધનોમાં ફાળો આપ્યો છે. લાઇટિંગ, ઇલેક્ટ્રિક ડાયનેમો, એક્સ-રે ટેકનોલોજી, રાડાર ટેકનોલોજી, રિમોટ કંટ્રોલથી યંત્ર સંચાલન, માર્કોનીની વાયરલેસ કમ્યુનિકેશન, રોબોટિક્સ જેવી વિભિન્ન ટેકનોલોજીના પાયામાં નિકોલા ટેસ્લાનાં સંશોધનો ઉપયોગી થયાં છે.
નિકોલા ટેસ્લાના માનમાં ફિઝિક્સમાં એક પ્રકારના મેગ્નેટિક ફિલ્ડ (મેગ્નેટિક ઇન્ડક્શન/ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ટેન્સિટી) ના યુનિટને “ટેસ્લા” નામ અપાયું છે.
જાન્યુઆરી 7, 1943 ના રોજ 86 વર્ષની ઉંમરે ન્યૂ યોર્ક શહેરમાં નિકોલા ટેસ્લાનું અવસાન થયું.
**
One thought on “નિકોલા ટેસ્લા: ઑલ્ટર્નેટ કરન્ટ સિસ્ટમના પ્રણેતા”