.
અંગ્રેજ શાસનકાળમાં હિંદુસ્તાનના કેટલાક સમર્થ રાજ્યકર્તાઓએ દેશનું નામ રોશન કર્યું છે.
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (1863 – 1939) પ્રજાવત્સલ, દૂરદર્શી અને બાહોશ શાસક હતા. માત્ર બાર વર્ષની ઉંમરે ગાદીએ આવનાર મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રેસઠ વર્ષ સુધી વડોદરા રાજ્યનું શાસન સંભાળ્યું. સયાજીરાવે વારંવાર યુરોપ પ્રવાસ કર્યો અને પશ્ચિમના દેશોના વિકાસનો બારીકાઇથી અભ્યાસ કર્યો. પરિણામે વડોદરા રાજ્યને બાગ-બગીચા, રસ્તાઓ, રેલ્વે, શાળા-કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ, કલાક્ષેત્રમાં અભ્યાસ, મ્યુઝિયમ વગેરે સુવિધાઓનો લાભ મળ્યો. પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગ-સંગના પ્રભાવ છતાં સયાજીરાવ ગાયકવાડ નખશિખ ભારતીય રાજવી હતા. આ પ્રજાપ્રેમી રાજ્યકર્તાનો દેશપ્રેમ અંગ્રેજ અમલદારશાહીને ખૂબ ખૂંચતો પણ સયાજીરાવ દીર્ઘદ્રષ્ટિ અને બાહોશીથી પોતાનું શાસન સંભાળતા રહ્યા.
મહારાજા સયાજીરાવના સમયમાં અન્ય એક ગુજરાતી દેશભક્ત દાદાભાઇ નવરોજી (1825 – 1917) અગ્રણી ભારતીય નેતા હતા. દાદાભાઇ નવરોજી ઇંગ્લેન્ડમાં લંડન ખાતે વ્યવસાય કરતા હતા. હિંદુસ્તાનના હિતને ખાતર દાદાભાઇએ ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટની ચૂંટણી લડવા નિશ્ચય કર્યો. સયાજીરાવ ગાયકવાડે તેમના ચૂંટણી ફંડમાં એક હજાર પાઉન્ડની મોટી રકમ આપી. દાદાભાઇ નવરોજી 1892માં બ્રિટીશ પાર્લામેન્ટની ચૂંટણી જીત્યા અને ઇંગ્લેન્ડના પ્રથમ હિંદુસ્તાની એમપી (મેમ્બર ઓફ પાર્લામેન્ટ) બન્યા. હકીકતમાં ઇંગ્લેન્ડની સંસદમાં ચૂંટાનાર દાદાભાઇ નવરોજી પ્રથમ ભારતીય જ નહીં, પ્રથમ એશિયન પણ હતા.
.
.
One thought on “વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તથા ઇંગ્લેન્ડના પ્રથમ ભારતીય એમપી દાદાભાઇ નવરોજી”