અજાણી-શી વાતો · ઇતિહાસ · દેશ- દુનિયા

ક્રેમલિન પેલેસ : રશિયાના ઇતિહાસનો સાક્ષી

.

રશિયાની રાજધાની મોસ્કોમાં ક્રેમલિનનો ભવ્ય મહેલ ખડો છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા (યુએસએ) અને સોવિયેટ રશિયા (તત્કાલીન યુએસએસઆર) વચ્ચે શીત યુદ્ધ – કોલ્ડ વોર – ના ગાળામાં ક્રેમલિનનું નામ  ખૂબ ચમકતું રહ્યું. વર્તમાન પત્રોમાં રશિયા કે મોસ્કોનો ઉલ્લેખ ક્રેમલિન તરીકે થતો જેમ કે અમેરિકાની વિયેટનામ નીતિ સામે ક્રેમલિનની નારાજગી.  આજકાલ રશિયન સુપરપાવરની શક્તિ ઘટી જતાં આ શબ્દનો જાદુ ઓસરી ગયો હોવાથી તે  શબ્દ જાણે ભૂલાતો જાય છે.

ચીન (ચાઇના)ની રાજધાની બેજિંગ( પેકિંગ)માં ફર્ગોટન સીટી, ફ્રાંસમાં સમ્રાટ લૂઇનો વર્સાઇ (વર્સેલ્સ)નો મહેલ અને રશિયામાં શહેનશાહ ઝારનો મહેલ ક્રેમલિન- આ મહેલાતો જૂના જમાનાની રાજાશાહીની પ્રતીક બની રહી છે.

રશિયાનું વર્તમાન પાટનગર મોસ્કો મોસ્કવા નદીને કાંઠે વસેલ છે. મોસ્કો શહેરની સ્થાપના ઇસ 1147માં થઇ હતી. રશિયાના પ્રથમ ઝાર ઇવાન ધ ટેરિબલના સમયમાં મોસ્કોને રાજધાની બનાવાયું (1547). પ્રસિદ્ધ રશિયન રાજ્યકર્તા ઝાર પીટર ધ ગ્રેટના સમયમાં રાજધાની માટે નવા શહેર પીટર્સબર્ગની રચના થઇ (1703). પીટર્સબર્ગ શહેર પાછળથી પેટ્રોગ્રાડ તથા લેનિનગ્રાડ નામથી ઓળખાયું. ફ્રાંસના સમ્રાટ નેપોલિયન (1769 – 1821)ના રશિયા પરના આક્રમણ દરમ્યાન મોસ્કો (રાજધાની ન હોવા છતાં) તબાહ થયું.

રશિયામાં 1917ની બોલ્શેવિક ક્રાંતિ (રશિયન ક્રાંતિ – ઓક્ટોબર રેવોલ્યુશન)માં ઝારશાહીનો અંત આવ્યો; લેનિનના નેતૃત્વમાં સામ્યવાદી શાસન સ્થપાયું અને 1918માં દેશની રાજધાનીને પીટર્સબર્ગથી ફરી મોસ્કો ખસેડવામાં આવી.

મોસ્કોના ક્રેમલિનના મૂળ બાંધકામની શરૂઆત પંદરમી સદીમાં થઇ. વખતોવખત તેમાં સુધારાવધારા થતા રહ્યા. સોળમી સદીમાં રશિયન ઝાર ઇવાન ધ ગ્રેટ દ્વારા 60 મીટર ઊંચું ટાવર (બેલ ટાવર) બનાવાયું જેની ઊંચાઇ પાછળથી વધારાઇ. 1812માં ફ્રેંચ આક્રમણમાં ભારે ક્ષતિગ્રસ્ત થયેલ ક્રેમલિનનું પુન નિર્માણ ઝાર નિકોલસ પહેલા (1796 – 1855) એ શરૂ કરાવ્યું પરિણામે આપણને આજે જોવા મળતા ગ્રેટ ક્રેમલિન પેલેસની ભેટ મળી. મોસ્કોમાં 24 હેક્ટરમાં ફેલાયેલ ક્રેમલિન હકીકતમાં કેટલીક ફોર્ટિફાઇડ ઇમારતોનો સંકુલ છે. તેમાં ચાર મહેલો તેમ જ ચાર કેથેડ્રલ આવેલાં છે. તેની ફરતે બે હજાર મીટરથી વધુ લંબાઇનો કોટ છે જેની ઊંચાઇ આઠથી ઓગણીસ મીટર જેટલી છે. કોટ પર વીસેક ટાવર છે જે પૈકી 81 મીટરનું ઇવાનનું બેલ ટાવર સૌથી ઊંચું છે. રશિયન ક્રાંતિના પ્રણેતા વ્લાડીમીર લેનિન કેટલોક સમય ક્રેમલિનમાં રહેલા. બીજા વિશ્વયુદ્ધમાં રશિયાને દોરનાર અને પછી લોખંડી પંજામાં દેશને ભીંસનાર રશિયન પ્રમુખ જોસેફ સ્ટાલિન (સ્ટેલિન) ક્રેમલિનના નિવાસી રહી ચૂક્યા છે. સ્ટાલિનના અવસાન (1953) પછી ક્રેમલિનના દરવાજા સામાન્ય મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયા.

.

2 thoughts on “ક્રેમલિન પેલેસ : રશિયાના ઇતિહાસનો સાક્ષી

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s