અજાણી-શી વાતો · અધ્યાત્મ-ફિલોસોફી

મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય

.

મહાયોગી શ્રી અરવિંદના પ્રતિભાવાન શિષ્યોમાં શ્રી દિલીપકુમાર રાય (1897 – 1980) નું નામ પ્રથમ પંક્તિમાં આવે.

કુશાગ્ર બુદ્ધિપ્રતિભાસંપન્ન દિલીપકુમાર રાય ઉમદા વક્તા, મધુર ગાયક અને પ્રખર સંગીતજ્ઞ હોવા ઉપરાંત મહાતેજસ્વી સાધક તેમજ ચિંતનશીલ વિચારક હતા.

તેમના દાદા બંગાળાના વિખ્યાત ગાયક હતા. તેમના પિતા દ્વિંજેન્દ્રલાલ રાય ગાયક અને સંગીતજ્ઞ હોવા ઉપરાંત બંગાળી ભાષાના પ્રસિદ્ધ કવિ અને નાટ્યકાર હતા. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં દ્વિજેન્દ્રલાલ રાયે વિલાયત જઈને ઉચ્ચ અભ્યાસ કર્યો હતો.  દિલીપકુમારના નાનાજી ડોક્ટર હતા અને તેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસના અંતિમ દિવસોમાં તેમની ચિકિત્સા કરી હતી. બાળપણમાં દિલીપકુમારને ત્યાં મેધાવી વિદ્વાનોની બેઠકો થતી રહેતી અને જ્ઞાનચર્ચા થતી. સ્વાભાવિક છે કે આવા તેજોમય પરિવારનું ફરજંદ પણ પ્રતિભામાન બને.

બારેક વર્ષની ઉંમરે  તેમને શ્રી રામકૃષ્ણ પરમહંસના અંતેવાસી ભક્ત શ્રી ‘મ’નાં માર્ગદર્શન અને આશિષ મળ્યાં.  (શ્રી ‘મ’ એટલે મહેન્દ્રનાથ ગુપ્ત, કલકત્તા-કોલકતા-ના મોર્ટન ઇન્સ્ટિટ્યુશનના વિદ્વાન હેડમાસ્ટર. તેમની વિસ્તૃત નોંધપોથીઓ પરથી ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ પ્રગટ થયું)  બાળક દિલીપકુમાર રાયે દક્ષિણેશ્વર જઈ પૂજ્ય શારદામણિમાના પ્રત્યક્ષ દર્શન કરી આશીર્વાદ લીધા.

તેમણે સોળ વર્ષની ઉંમરે ગણિત અને સંસ્કૃતમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી મેટ્રિકની પરીક્ષા પસાર કરી. કોલેજમાં દિલીપકુમારને સહાધ્યાયી અને પરમ મિત્ર તરીકે સુભાષચંદ્ર બોઝનો ગાઢ પરિચય થયો. કોલેજકાળમાં તેમને મહાન સંત રાખાલ મહારાજનો સત્સંગ થયો.

દિલીપકુમાર મેથ્સમાં ઑનર્સ સાથે વિજ્ઞાનના સ્નાતક થયા અને 1919માં ઉચ્ચ અભ્યાસાર્થે વિલાયત પહોંચ્યા. તેમનો હેતુ વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો તથા આઇસીએસ પરીક્ષા પાસ કરવાનો હતો. પણ કલા અને તત્વચિંતનના રંગે રંગાયેલા દિલીપકુમાર કેમ્બ્રિજનો અભ્યાસ છોડીને યુરોપમાં ત્રણેક વર્ષ ભ્રમણ કરતા રહ્યા.

માત્ર પચ્ચીસ વર્ષની ઉંમર પૂરી કરતાં પહેલાં તો દિલીપકુમાર ‘જ્યોં ક્રિસ્તોફ’ના કર્તા મહાન ફ્રેંચ લેખક રોમાં રોલાં, ‘સિદ્ધાર્થ’ના સિદ્ધહસ્ત સર્જક હેર્માન હેસ અને  વિશ્વપ્રસિદ્ધ ગણિતજ્ઞ અને વિચારક-ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલની સાથે વાર્તાલાપો કરી ચૂક્યા હતા.

દિલીપકુમાર રાય કંઠ્ય અને વાદ્ય સંગીતમાં નિપૂણ હતા. યુરોપમાં  તેમણે સંગીતના ઘણા કાર્યક્રમો પણ આપેલા.

1924માં દિલીપકુમાર રાય પ્રથમ વખત પોંડિચેરી આશ્રમમાં મહાયોગી શ્રી અરવિંદને મળ્યા. બસ, તેમની જીવનદ્રષ્ટિ બદલાતી ગઈ.

અધ્યાત્મમાર્ગે રંગાયેલા દિલીપકુમાર રાયને મહર્ષિ મહાયોગી શ્રી અરવિંદ, માતાજી, સ્વામી યોગાનંદ, રમણ મહર્ષિ, મા આનંદમયી, પપા રામદાસ, રાખાલ મહારાજ, અલ્મોડાના સંત યોગી  શ્રી કૃષ્ણપ્રેમ, યશોદામા આદિ પૂજનીય સંત-વિભૂતિઓનો સત્સંગલાભ મળેલો અને કૃપા-આશિષ મળેલાં.

ઉપરાંત દિલીપકુમાર રાયે મહાત્મા ગાંધી, કવિવર રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, પંડિત મદનમોહન માલવિયાજી આદિ ભારતીય અને મહાન અણુવિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ઇંગ્લેન્ડના વિચારક અને ગણિતજ્ઞ બર્ટ્રાન્ડ રસેલ, ફ્રેંચ લેખક-ફિલોસોફર રોમાં રોલાં, જર્મન લેખક હેરમાન હેસ, અન્વેષક-સાધક પોલ રિશાર અને ફ્રેડરિક સ્પિલબર્ગ જેવા વિશ્વવિખ્યાત મહાનુભાવોના સાન્નિધ્યને માણ્યું છે.

દિલીપકુમાર રાય બંગાળી-હિંદી ઉપરાંત અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, ઇટાલિયન આદિ ભાષાઓ જાણતા. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. દિલીપકુમાર રાયનો અંગ્રેજી ગ્રંથ ‘Pilgrims of the Stars’ અમેરિકા અને યુરોપમાં ભારે પ્રસિદ્ધિ પામ્યો છે. તે પુસ્તકનો અનુવાદ જર્મન, પોર્ટુગિઝ, ફ્રેંચ અને સ્પેનિશ ભાષાઓમાં થયેલો છે. આ પુસ્તક ‘અનંતના યાત્રીઓ‘ નામથી ગુજરાતીમાં અનુવાદિત થયેલ છે. દિલીપકુમાર રાયનો એક અદભુત બંગાળી ગ્રંથ ‘અઘટન આજો ઘટે’ ગુજરાતીમાં ‘ચમત્કારો આજે પણ બને છે’ નામે પ્રગટ થયેલો છે. *

12 thoughts on “મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય

Please write your Comment