.
(UPDATE: 28.12.2016: વાચક મિત્રો! આજે આ નોંધ એટલા માટે મૂકી રહ્યો છું કે 2007માં લખાયેલ મારી આ દસ હપ્તાની શ્રેણીના કેટલાક મુદ્દાઓ આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ગુજરાતી બ્લૉગિંગના ઇતિહાસમાં આ શ્રેણીનું ખાસ મહત્વ સુજ્ઞ વાચકો સમજી શકશે. વાચકોને આ શ્રેણીના 1 થી 10 સુધીના બધા હપ્તા ક્રમમાં વાંચવા ભલામણ છે. “બાવીસમી શ્રેણી” શબ્દપ્રયોગ મેં હેતુપૂર્વક બ્લૉગર મિત્રોને અને ગુજરાતી ભાષા પ્રેમીઓને ઝકઝોરવા કર્યો હતો તે આપની જાણ ખાતર. ધન્યવાદ )
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-8
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
છેલ્લા થોડા દિવસ દરમ્યાન મેં ઇન્ટરનેટ પર વિવિધ બ્લોગ્સનો જિજ્ઞાસાપૂર્વક અભ્યાસ કર્યો. વર્ડપ્રેસ અને બ્લોગસ્પોટ પર મેં ખાસ ધ્યાન આપ્યું. તેમાંય વર્ડપ્રેસના બ્લોગ્સનો મેં વિશેષ અભ્યાસ કર્યો.
વર્ડપ્રેસ પર મેં ઈંગ્લિશ અને હિન્દી ઉપરાંત ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ આદિ ભાષાઓના ટોપ બ્લોગ્સ/ ટોપ પોસ્ટ્સની મુલાકાત લીધી. બે-ત્રણ અઠવાડિયા સુધી મેં તુલનાત્મક અભ્યાસ કર્યો. વર્ષો અગાઉ શીખેલ જર્મન અને ફ્રેંચનું ભાંગ્યુંતૂટ્યું જ્ઞાન જરા મદદે આવ્યું.
ધીરજથી, ખંતથી વિદેશી ભાષાઓના બ્લોગ્સ કન્ટેન્ટને સમજવા મારી સૂઝબૂઝ પ્રમાણે પ્રયત્ન કર્યો ઈંગ્લીશ અને હિંદીના બ્લોગ્સની છણાવટ હમણાં નહીં કરીએ.
વિદેશી ભાષાઓના બ્લોગ્સ અને ગુજરાતી ભાષાના બ્લોગ્સની પ્રારંભિક તુલનામાં મને આ મુખ્ય મુદ્દાઓ નજરે ચડ્યા:
(1) ગુજરાતી ભાષાના બ્લોગ્સના શીર્ષકો (Titles / Headings) સચોટ, સૂચક અને સાહિત્યિક લાગે. તે દ્રષ્ટિએ વિદેશી ભાષાઓના શીર્ષકો ઓછા માર્મિક જણાયા.
(2) ગુજરાતી ભાષાના આપણા ઘણા બ્લોગ્સ સાહિત્ય પર કેન્દ્રિત છે. વિદેશી ભાષાઓના મોટા ભાગના બ્લોગ્સ મનોરંજન, શોખ, મ્યુઝિક, વિજ્ઞાન-ટેકનોલોજી, રાજકારણ અને વર્તમાન જગત પર આધારિત જણાયા. સાહિત્યની દ્રષ્ટિએ નોંધપાત્ર બ્લોગ્સ ભાગ્યે જ નજરે પડ્યા!
(3) સંસ્કારિતા અને નૈતિકતાના ધોરણોની દ્રષ્ટિએ ગુજરાતી ભાષાના આપણા બ્લોગ્સ ચાર વેંત અદ્ધર અને સદ્ધર છે. આ મુદ્દે વિદેશી ભાષાઓના બ્લોગ્સ ઊણા ઉતરતા જણાયા. વિદેશી સમાજના સ્વચ્છંદી વાતાવરણને સ્વીકારીએ તો પણ શબ્દોની વિવેકહીનતા અને અભિવ્યક્તિનું છીછરાપણું અવશ્ય ખટકે.
(4) ગુજરાતી ભાષાના બહુ ઓછા બ્લોગ્સ વાચકોને વિશ્વના વર્તમાન પ્રવાહોથી માહિતગાર કરે છે. જ્યારે ઘણા વિદેશી બ્લોગ્સ તેમના દેશ અને દુનિયાના સાંપ્રત પ્રવાહોને ચર્ચતા રહે છે.
(5) ગુજરાતી ભાષાના બ્લોગ્સ પર આધુનિક ટેકનોલોજી અને અદ્યતન ઉપકરણોની માહિતી તમને મુશ્કેલીથી મળશે. વિદેશી ભાષાના બ્લોગ્સ પર આ વિષે પ્રચૂર માત્રામાં માહિતી મળી શકે.
આ સિવાય ઘણા મુદ્દાઓ પર તુલના થઈ શકે છે. કોઈ ઊંડાણમાં અભ્યાસ કરશે તો જાણશે કે બંને પક્ષે મર્યાદાઓ અને વિશેષતાઓની ખોટ નથી. પણ તેમાં સર્વ વાચકોને રસ ન પડે તેથી હું હાલ ચર્ચતો નથી.
મારા બ્લોગર મિત્રો! આપ સૌએ ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાને ગૌરવ બક્ષ્યું છે. આપના બ્લોગ્સ દ્વારા આપ ગુજરાતી નેટ જગતના વિકાસનો પાયો રચી રહ્યા છો. આપ સૌ અભિનંદનના અધિકારી છો.
એક નમ્ર વિનંતી – આપ ઉપરના મુદ્દાઓ વિષે વિચારશો. અન્ય ઘણા મુદ્દા આપના મનમાં ઊઠશે.
આપણે યોગ્ય બાબતો સમજદારીથી, હકારાત્મક અભિગમથી ચર્ચતા રહીશું તો ગુજરાતી નેટ જગતને સાચી દિશામાં લઈ જઈ શકીશું.
.
શ્રી હરીશભાઈ
બ્લોગ વિશ્વના આપના અનુભવ આધારિત આપની આ લેખ શ્રેણી ઘણા બ્લોગરો માટે ખુબ માર્ગ દર્શક નીવડશે. આજે ઘણા બ્લોગર મિત્રો એમના બ્લોગ મારફતે ગુજરાતી ભાષાની અસ્મિતાને ટકાવી રાખવા તથા એનું સંવર્ધન કરવા માટે એમનાથી બનતો પ્રયાસ એમની રીતે કરી રહ્યા છે.આ બ્લોગરોમાં મોટા ભાગના નિવૃત અને સુશિક્ષિત ગુજરાતીઓ છે .તમે આ બ્લોગીંગના ક્ષેત્રે ઘણું સુંદર કાર્ય આપના વિવિધ બ્લોગ મારફતે કર્યું છે અને હાલ પણ એવા જ ઉત્સાહથી કરી રહ્યા છો એ અભિનંદનીય છે.
આપના પ્રોત્સાહજનક પ્રતિભાવ બદલ આભાર, વિનોદભાઈ! આજે માત્ર “લાઇક” પર ક્લિક કરીને ચાલવા માંડવાના જમાનામાં આવા વિચારપ્રેરક શબ્દો સાંભળવા મળે તે મીઠા લાગે. કૉમેન્ટ- પ્રતિભાવોની વિશેષ મહત્તા છે. પ્રતિભાવ બ્લૉગિંગને ઉત્તેજન આપવામાં ખાસ ભાગ ભજવી શકે. આપ બ્લૉગે બ્લૉગે ફરીને અર્થપૂર્ણ પ્રતિભાવ આપતા રહો છો તે ગુજરાતી નેટ જગતની મોટી સેવા છે. ગુજરાતી બ્લૉગિંગના પ્રારંભમાં , દસ વર્ષ અગાઉ આદરણીય શ્રી માનવંતભાઈએ આ કાર્ય કરેલું . આપ સૌના પ્રેમભાવ અને પ્રેરક કાર્યોને વંદન.
ગુજરાતી બ્લોગ જગતમાં વીવીધતાને બહુ જ અવકાશ છે. આ અંગે મારાથી બનતા પ્રયત્નો મેં કર્યા છે. ચીરાગ, અનિમેષ જેવા બીજા મીત્રોએ પણ સારા પ્રયત્નો કર્યા છે.
પણ 90% પ્રયત્નો માત્ર કવીતા અને નીજાનંદ માટે જ રહ્યા છે. તે હકીકત છે.
મારી માન્યતા પ્રમાણે યુવા વર્ગની વ્યસ્તતા આ માટે જવાબદાર છે. કવીતા, અને તેપણ કોઈએ લખેલી, ટાઈપ કરવામાં બહુ ઓછો સમય જોઈએ છે.
નીવૃત્ત વ્યક્તીઓ આ કામમાં જોડાય તો ઘણું કામ થઈ શકે. આ એકવીસમી સદીમાં સુશીક્ષીત નીવ્રુત્ત વ્યક્તીઓ ઢગલાબંધ છે જ.
આપના અભ્યાસ અને નિરિક્ષણે
ગુજરાતી નેટ જગતની યશકલગીમાં
એક પિંછુ ઓર ઊમેર્યું !!
તમારા આ સર્વેક્ષણ એકદમ સત્ય છે. આ માટે તમને ધન્યવાદ. હું પણ આન વિષે વિચારી અને એના વિષે લખવાનો પ્રયત્ન કરીશ.
સરસ છણાવટ કરી હરીશભાઇ, તમારુ નિરીક્ષન એકદમ સાચુ લાગે છે.
આવી તપાસ સમગ્રતયા થતી રહે તે બહુ જરુરી બનતું જાય છે.
સરખામણી પણ ‘અભ્યાસ’માં બહુ મદદગાર બની રહે છે. આ શ્રેણીની જેમ જ આપણા બ્લોગ્સની વીગતે છણાવટ થાય તે કદાચ અનીવાર્ય બની રહેવું જોઈએ.
તમારું નિરીક્ષણ અને નિષ્કર્ષ એક્દમ સાચા છે .. અને આ ચીજ આપણા સર્વેના ધ્યાનમાં લાવવા બદલ ધન્યવાદ ..
લેખોની આ શ્રેણી એ આવનાર સમય માટે એક દીવાદાંડી સમાન બનવાની છે એની મને ખાતરી થતી જ રહે છે જેમ જેમ એમાં એક નવી કળી ઉમેરાતી જાય છે ..