.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-3
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
ગુજરાતી નેટ જગતના કન્ટેન્ટ (વાચક સમક્ષ મૂકેલ વિષયવસ્તુ)ના મૂલ્યાંકનનો સમય પાકી ગયો છે. આપણે મેક્રો લેવલ પર તેમજ માઈક્રો લેવલ પર કન્ટેન્ટનું મૂલ્યાંકન કરવું રહ્યું.
સ્થૂળ અને સૂક્ષ્મ – આ બંને સ્તરે કન્ટેન્ટ (વિષયવસ્તુ) તથા તેની ગુણવત્તા વિષે વિચાર કરવો રહ્યો.
વર્ષો અગાઉ, મેં ઇન્ટરનેટ પર અંગ્રેજી ભાષામાં લખવું શરૂ કર્યું હતું. શરૂઆતમાં ઉપનામોથી વિવિધ સાઈટ્સ પર લખ્યું. બ્લોગસ્પોટ પર મેં મારા બ્લોગ્સ પ્રથમ અંગ્રેજી ભાષામાં અને પછી ગુજરાતી ભાષામાં પ્રકાશિત કર્યા. અંગ્રેજી ભાષામાં મલ્ટિબ્લોગિંગ કર્યા પછી ગુજરાતી નેટ પર- બ્લોગસ્પોટ પર – હું મલ્ટિબ્લોગર તરીકે જ પ્રવેશ પામ્યો.
મારો ગુજરાતી ગદ્ય બ્લોગ પ્રકાશિત થયો ત્યારે ગુજરાતી નેટ જગત માત્ર ગુજરાતી સાહિત્ય પર જ કેન્દ્રિત હતું. લગભગ તમામ સાઇટ્સ પર ગુજરાતી સાહિત્યની જ વાત હતી.
બીજું, અપવાદ બાદ કરતાં, બાકીની લગભગ બધી જ ગુજરાતી સાઇટસ ગુજરાતી પદ્યસાહિત્ય વિશેષ માત્રામાં પીરસતી હતી. લગભગ તમામ બ્લોગ્સ પર કાવ્યકૃતિઓ જ નજરે પડતી. તેમાંયે મૌલિક સર્જન મીઠા વીરડા સમાન ક્યાંક જ દેખાય. મોટા ભાગના બ્લોગ્સ પર ભૂતકાળના સર્જકોની કૃતિઓ મૂકાતી. એક રીતે, ગુજરાતી ભાષાના સાહિત્યના સંવર્ધન માટે આ જરૂરી હતું. અન્યની સાહિત્યકૃતિઓ પોતાના બ્લોગ પર પ્રકાશિત કરી આ ભાઈ-બહેનોએ ગુજરાતી સાહિત્યને લોકપ્રિય કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે તે આપણે નોંધવું જોઈએ.
તેમના પ્રયત્નો વિના દેશ-વિદેશના ખૂણે ખૂણે વસેલા ગુજરાતીઓને આ સાહિત્ય આમ હાથવગું થઈ શક્યું હોત? તે સૌ બ્લોગરમિત્રોને અભિનંદન.
પરંતુ, હવે સાથે સાથે મૌલિક સર્જનને વિશેષ ઉત્તેજન આપવાનો સમય પાકી ગયો છે.
આપણે ગુજરાતી નેટ જગતના કન્ટેન્ટનો માઈક્રોલેવલ પર અભ્યાસ કરીએ. જે કન્ટેન્ટ પ્રકાશિત થાય છે, તેની ગુણવત્તા જળવાય છે ખરી? ભાષાની અશુદ્ધિ સ્વીકાર્ય ગણવી? વ્યાકરણમાં દોષ કેટલે અંશે ક્ષમ્ય ગણવો?
માઈક્રોલેવલની ગુણવત્તા વિષે પ્રશ્નો ઊઠે ત્યારે સામાન્ય રીતે આપણે બ્લોગરમિત્રો ત્રણ દલીલો કરવા લાગીએ છીએ:
(1) હું સાક્ષર નથી, સાહિત્યકાર નથી. તેથી ભૂલો તો થયા કરવાની!
(2) હું તો મારા આનંદ માટે, મારા અંતરની ખુશી માટે, મારા શોખ માટે લખું છું. મને ગમશે તે રીતે લખીશ.
(3) વાચકને ભૂલો દેખાતી હોય તો મારો બ્લોગ ન વાંચે.
મારા મિત્રો! આવી તર્કહીન દલીલો કરી આપણે છૂટી ન પડીએ.
આપણે જ્યારે ઇન્ટરનેટ જેવા જાહેર માધ્યમ પર લખી રહ્યા છીએ, ત્યારે આપણી વિશ્વ પ્રત્યે, ગુજરાતી સમાજ પ્રત્યે, આપણી ગુજરાતી ભાષા પ્રત્યે જવાબદારીઓ છે.
આપણને આવી દલીલો શોભતી નથી. આપણા બ્લોગ્સ પર અક્ષમ્ય અશુદ્ધિઓ રહી જતી હોય, તો પહેલાં મહાવરો કેળવવો જોઈએ. ભૂલ કદાચ રહી જાય તેની ના નહીં, પણ ભૂલ ન થવા દેવી તેવી સભાનતા તો હોવી જોઈએ.
આપણે વિશેષ સમજભર્યો, બુદ્ધિભર્યો અભિગમ અપનાવવાનો છે. એક મલ્ટિ-બ્લોગર તરીકે હું ચાર ચાર બ્લોગ્સ એકલે હાથે પ્રકાશિત કરું છું. તેમાં ભાષાશુદ્ધિ માટે અતિ ચીવટ રાખું છું. છતાં ક્યારેક અશુદ્ધિ રહી જાય છે.જ્યારે અશુદ્ધિ મારી નજરે ચઢે, ત્યારે મને શરમ ઉપજે છે, એટલું જ નહીં પારાવાર દુઃખ પણ થાય છે. ક્યારેક વાચકમિત્ર ભૂલ બતાવતો મેઈલ મોકલે તો ખેલદિલીપૂર્વક તે સુધારવા તત્પર રહું છું.
ગુજરાતી ભાષા અને વાચકો પ્રત્યેની મારી ગુજરાતી ભાષા અને વાચકો પ્રત્યેની મારી પ્રતિબદ્ધતામાં ઊણપ ન જ રહેવી જોઈએ. આપણે સૌ સાથે મળી આ અભિગમ રાખીશું તો ગુજરાતી નેટ જગતને સમૃદ્ધ કરી શકીશું. આભાર.
.
BEST OF LUCK IN YOUR EFFORTS TO IMPROVE GUJARATI BHASHA VIA COMPUTERS>>>>DR. C. M. MISTRY..Lancaster CA USA
ભાષાશુદ્ધિની વાત સાથે મારી પણ પૂર્ણ સહમતિ છે !!
હરીશકાકા, હું પોતે પણ તમે જણાવેલાં મુદ્દાઓ જેવું જ માનતો હતો. પરંતુ, જાહેર માધ્યમમાં લખવા બદલ જવાબદારી વધી જાય છે, અને એમાંથી છટકી તો ના જ શકાય. આજથી 20 વર્ષ પછી કોઈ સર્ચ કરે અને મારા લખાણ સુધી પહોંચે તો એ લખાણ જવાબદારી ભર્યું હોય તે ખુબ ખુબ જરુરી છે.