.
બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત-1
(ગુજરાતી નેટ જગતના વર્તમાન અને ભવિષ્યની છણાવટ કરતી શ્રેણી)
.
ઇન્ટરનેટ સમસ્ત વિશ્વને સાંકળતું અભૂતપૂર્વ માધ્યમ છે.
ઇન્ટરનેટ આધુનિક સમાજનું અગ્રીમ સંચાર માધ્યમ છે.
માનવજીવનના બહુવિધ ક્ષેત્રો અને વ્યવહારો મહદ અંશે ઇન્ટરનેટ પર આધારિત થતાં જાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા તેનું મહત્વનું લક્ષણ છે. અતિ બહોળો વ્યાપ તેમ જ નિઃશુલ્ક, સરળતાથી ઉપલબ્ધ તેની સેવાઓ વધુ ને વધુ સર્જકો, વાચકો અને ઉપભોક્તાઓને આકર્ષી રહી છે.
મેં મારા વિદ્યાર્થીમિત્રોને ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ કરતાં જોયાં છે. તેઓ વિવિધ માહિતી મેળવવા નેટ પરની અંગ્રેજી સાઈટસ (વેબસાઈટ્સ અને બ્લોગ્સ)નો ઉપયોગ વધારે કરવા લાગ્યાં છે.
સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ખાસ કરીને રેફરન્સ તેમ જ પ્રોજેક્ટ વર્ક માટે ઇન્ટરનેટ પર આધાર રાખે છે. એમબીએ, એમફિલ કે પીએચડી કરી રહેલા મારા વિદ્યાર્થી મિત્રો માટે તો ઇન્ટરનેટ ઓક્સિજનની ગરજ સારે છે. પીજી લેવલ પર ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તમામ અસાઇનમેન્ટ, કેસસ્ટડી, થીસીસ, ડિઝર્ટેશન અને પ્રોજેક્ટ વર્ક માટે નેટ પર સર્ફીંગ કર્યા સિવાય ચાલે જ નહીં!
ઢગલાબંધ અંગ્રેજી રેફરન્સ સાઈટ્સ પર જતાં તેમને અઢળક માહિતીનો ખજાનો મળી જાય! કામ કેટલું સરળ થઈ જાય.
પરંતુ ….. ગુજરાતી ભાષામાં આવી રેફરન્સ સાઈટ્સ કેટલી?
ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને આવી માહિતી ગુજરાતી નેટ પર મળી શકે? તેમને તેમના પ્રોજેક્ટ વર્ક માટે પ્લાઝમા કે સુપરકંડક્ટિવિટી, મેનેજમેંટના આધુનિક સિદ્ધાંતો કે ફિલિપ કૉટલર વિષે માહિતી ગુજરાતી નેટ જગત પર મળી શકે?
ગુજરાતના દૂર દૂરના ખૂણાઓમાં, ગ્રામ્યવિસ્તારોમાં પણ નાની-મોટી ગુજરાતી શાળાઓ છે. સંખ્યાબંધ ગામોમાં- શાળાઓમાં લાયબ્રેરીની સુવિધા નથી, અથવા નામમાત્રની છે. ત્યાં ગ્રામ્યલોકોને કલાપી અને મેઘાણીથી લઈ રમેશ પારેખની ઓળખ હોઈ શકે. પરંતુ આ ગુજરાતી શાળાઓના બાળકોને શેક્સપિયર કે વર્ડ્ઝવર્થ, ટોલ્સ્ટોય કે ગોર્કી, બર્નાર્ડ શો કે હેમિંગ્વે વિષે પ્રાથમિક માહિતી પણ મળી શકતી નથી. અરે! આ બાળકોને જૂલે વર્ન કે ચાર્લ્સ ડિકન્સની કૃતિઓ વિષે એક અક્ષરની જાણકારી નથી.
ગુજરાતી ભાષામાં બ્લોગિંગની પ્રવૃત્તિ પ્રસરી રહી છે. ગુજરાતી બ્લોગર્સની સંખ્યા વધતી રહી છે. ગુજરાતીમાં સારી સંખ્યામાં બ્લોગ્સ પ્રકાશિત થઈ રહ્યા છે.
છેલ્લા દોઢ વર્ષમાં વર્ડપ્રેસની લોકપ્રિયતા વધવા સાથે ગુજરાતી નેટ જગત ફૂલીફાલી રહ્યું છે.
પરંતુ “કન્ટેન્ટવાઈઝ” ગુજરાતી નેટ જગતને હજી લાંબી મંઝિલ કાપવાની છે. આ એક વિચારવા જેવી બાબત નથી?
ગુજરાતી નેટ જગતને બાવીસમી સદીના ગુજરાત માટે સુસજ્જ કરવું હશે તો આપણે આજથી ગંભીર થઈ વિચારવું પડશે.
.
HARISHBHAI GOOD THOUTH…MAY THOSE WHO ARE EXPERT IN COMPUTERS & GUJARATI BHASHA GET INVOLVED &THAT FNAL RESULT IS THE DESIRED RESULT>>>>>DR> C. M .MISTRY
ગુજરાતી નેટ જગતને વિકસાવવા આપણે કમર
કસવી પડશે. સફર શરૂ થઈ ગઈ છે.
ગુજરાતી બ્લોગીંગમાં કવીતાનો અતીરેક થઈ રહ્યો છે. મને કવીતા બહુ જ પ્રીય છે, છતાં મેં કામચલાઉ તેનો ત્યાગ કર્યો છે. કારણકે આ કામ 80 % થી વધારે બ્લોગરો કરી રહ્યા છે.
માટે બધા બ્લોગરોએ એ વીચારવાની જરુર છે કે, દરેક જણ પોતાના રસની એક બાબતને થીમ રાખી સંશોધન અને રચનાત્મક બન્ને પાસાં આવરી લે તેવા વીશય પર કામ કરે તો? બે અઠવાડીયે એક જ પોસ્ટ આવી બનાવે. તો વરસમાં એ વીશય પર છવ્વીસ પોસ્ટ મળી શકે. અને આમ 100 વીશયો પર થઈને 2600 જ્ઞાન/ હોબી અનુલક્ષી પોસ્ટ બને. અ બહુ જ મોટું કામ થાય.
મારી આત્મશ્લાઘા માટે નહીં પણ એક ઉદહરણ તરીક કહું છું –
સારસ્વત પરીચય 18 મહીનાનું બાળક છે, પણ અત્યારે ત્યાં 310 સારસ્વતોનો પરીચય ઉપલબ્ધ છે. આ રીતે વીવીધ વીશયો પર કામ થઈ શકે.
આપણા નેજનંદ પુરતું જ બ્લોગીંગ સીમીત ન રાખીએ તો, જ આમ થઈ શકે. આ માટે મીશનરી સ્પીરીટ કેળવવો મને આવશ્યક લાગે છે.
તમારો વિચાર સરસ છે હરીશકાકા!
મેં જે ગુજરાતી બ્લોગ/સાઇટનું લિસ્ટ બનાવ્યું છે એમાં 100 થી પણ વધુ બ્લોગનો સમાવેશ થઇ ચૂક્યો છે… સહિયારું સર્જનનાં પાના પર ઉપરાંત એને એક્ષેલમાં પણ ફોર્મેટ કરીને બનાવ્યું છે… જે તમને કામ આવતું હોય તો હું તમને આપી શકું છું… જો કે, હું એને એપ્રિલ પછી સમયનાં અભાવે અપડેટ નથી કરી શકી… ડેટા માત્ર સાઇટમાં મૂકતી જાઉં છું… પરંતુ હવે તો એવું પણ જરૂર બનશે કે ઘણા બ્લોગો એવા અને એટલ ખૂલ્યા છે જેની મને જાણ પણ નથી.. લિસ્ટ બની જાય પછી પોએટ્રીકોર્નર પર મોકલી બધાને પૂછી શકું કે જેણે પોતાના બ્લોગ મારા લિસ્ટમાં ઉમેરવા હોય એ મને જણાવે… અને તમને કામ આવે એવું હોય તો જણાવજો. એમ પણ મારે એ લીસ્ટ અપડેટ કરવાનું છે જે હું આ વીકમાં તો કરી જ દઈશ.