સમાચાર-વિચાર

ગુજરાતી નેટ જગત: પાયાના મુદ્દા

.
કેટલાક મિત્રો મારા મૂળ મુદ્દા ચૂકી ગયા લાગે છે.

ફરી એક વખત ધ્યાનપૂર્વક ‘ગુજરાતી નેટ જગત’ વિષે મારી પોસ્ટ વાંચવા વિનંતી કરું? સાથે જ વિશેષ સ્પષ્ટતા પણ કરી લઉં:

(1) ગુજરાતી નેટ જગત ગુજરાતી ભાષામાં લખતા બ્લોગર્સ અને વેબસાઈટ-પ્રકાશકો તેમજ તે વાંચતા વાચકો થકી સર્જાયું છે. તેઓ વિશ્વના જુદા જુદા ભાગોમાં સ્થિત છે. આપણે આ તમામ ગુજરાતી નેટ-પ્રેમીઓ વચ્ચે ભાવાત્મક એકતા લાવવાની છે. સમાજના પ્રત્યેક વર્ગમાં એકતા નથી હોતી? માનવસમાજના પ્રત્યેક ક્ષેત્રમાં પોતપોતાના સમુદાયો છે, મંડળો છે, કે જેઓ પરસ્પરના સહયોગથી પ્રગતિ કરી શકે છે. એકતા પર પ્રશ્ન કરવાની જરૂર હોય ખરી?

આમ છતાં, આપણે અત્યારે નથી સંસ્થા બનાવવાની, નથી સિંડિકેશન બનાવવાની. અત્યારે ભલે સૌ પોતપોતાની રીતે પોતાના બ્લોગ પબ્લિશ કરે, ફોન્ટ વાપરે, જોડણી રાખે … પરંતુ ગર્વથી એટલું તો કહી શકે કે –“મારો બ્લોગ, ગરવી ગુજરાતી ભાષામાં બ્લોગ” કે “ગિરા ગૂર્જરીમાં મારો બ્લોગ” ! આપણી સૌ વચ્ચે રાજીખુશીથી એકસૂત્રતાની સભાનતા કેળવાય, ભાવાત્મક એકતા સ્થપાય તે માટે કડીરૂપ એકાદ સ્લોગન કે પ્રતીક હોય … શું તે માટે પણ આપણે ગુજરાતી નેટપ્રેમીઓ સંમત ન થઈ શકીએ?

આપણે એક થઈને આપણી ઓળખ, આપણી અભિવ્યક્તિ કે સર્જનાત્મક સ્વતંત્રતાને દાબી નથી દેવાની, માત્ર આપણા હૃદયમાં અને આપણી ગુજરાતી સાઈટ પર એકતાની ભાવના પ્રગટાવવાની છે.

(2) સંમેલન એટલે નહીં કે ધૂમધડાકા સાથે કોઈ મોટો સમારંભ! ગુજરાતી નેટ જગતનું સંમેલન એટલે આપણો બે-ચાર કલાકનો રુબરુ મેળાપ. ક્ષેત્રીય કક્ષાએ – સ્થાનિક કક્ષાએ ગુજરાતી નેટપ્રેમીઓ મળે, વિચારોની આપલે કરે, એકબીજાનો પરિચય કેળવે, નવા બ્લોગર્સને મદદરૂપ માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપે, ઉચિત વિષય પર ચર્ચા કરે. આનો વિરોધ શા માટે હોઈ શકે? અમદાવાદમાં “કુમાર”ની બુધસભા તથા એમ. જે. લાયબ્રેરીની શનિસભાએ જે સેવા કરી છે તે શબ્દોમાં મૂકી શકાય તેમ નથી. આપણે નેટપ્રેમીઓ વર્ષમાં એકાદ વાર તો મળી શકીએ!! તે માટે સમય પાકવાની રાહ ક્યાં સુધી જોઈશું? વિચારીએ.

(3) આપણે ગુજરાતી નેટ જગતને સમાજના વિવિધ વર્ગો સુધી લોકપ્રિય કરીએ, પછી આપણી આંતરરાષ્ટ્રીય સંસ્થા અંગે વિચારાય. તે માટે કદાચ બે-ચાર વર્ષનો સમય પણ લાગે. ત્યાં સુધીમાં ફોન્ટ અને જોડણી બધા પ્રશ્નો ગૌણ બની ગયા હશે!

મારે મન ફોન્ટ અને જોડણી અતિ મહત્વના મુદ્દાઓ છે. પરંતુ જો તેમને પ્રારંભિક મુદ્દા બનાવીશું તો સૌ સાથે નહીં રહી શકીએ. આપણે દીવાલ પરનું આ લખાણ વાંચી લઈએ. દરેક નેટપ્રેમી પોતાના અનુભવ અને સમજ અનુસાર આ પ્રશ્નો વિષે વિચારે. પોતાનો મત વ્યક્ત કરે. એબ્સર્ડમાં એબ્સર્ડ વિચાર સુદ્ધાં નવો બ્લોગર પણ નિર્ભયતાથી રાખી શકે તેવું વાતાવરણ ઊભું કરીએ. અન્ય સૌ સહિષ્ણુતાથી તે સાંભળે. સંયમ જાળવીને, મર્યાદા રાખીને, બીજાના મંતવ્ય પ્રત્યે સન્માન જાળવીને ચર્ચા થતી રહે તો કેવું રૂડું!

યાદ રાખીએ કે આપણે ગુજરાતી નેટ જગતના ખુલ્લા મંચ પર કોઈક અવ્યક્ત જવાબદારી લઈને બેઠા છીએ. આપણો વ્યવહાર, આપણા વિચારો, આપણો એક એક શબ્દ આપણા દર્શકો, આપણા વાચકો મૂલવે છે. આપણે તેમના પ્રત્યેની નિષ્ઠા ન ચૂકીએ. આપણામાંથી ઘણા મિત્રોએ નેટ પર સુંદર સિદ્ધિરૂપ નવતર કાર્યો કર્યાં છે. આપણે તેમનું ગૌરવ જાળવીએ.

ગુજરાતી નેટ જગતના ભીષ્મપિતામહ સમ આદરણીય શ્રી રતિલાલભાઈ ચંદરિયાસાહેબ પ્રત્યે આપણું અમાપ ઋણ છે. ચંદરિયાસાહેબ ભારે સંયમ રાખી આપણી ચર્ચા સાંભળી રહ્યા છે. તેમની આંતરવ્યથા આપણામાંથી કેટલા જાણે છે? જીવનના ઉત્તરાર્ધમાં તેમના દિલને ઠેસ પહોંચે તેવું કાંઈ ન કરીએ. ચંદરિયાસાહેબે ગુજરાતી નેટ જગત વિષે ઘણાં સ્વપ્નાં સેવ્યાં હશે. તેમને નિરાશા ઉપજે તેવું કશું ન કરીએ, ન વિચારીએ.

આભાર, મિત્રો!

ચાલો, ગુજરાતી નેટ જગતને લોકપ્રિય તથા લોકભોગ્ય કરીએ.
….. હરીશ દવે અમદાવાદ

5 thoughts on “ગુજરાતી નેટ જગત: પાયાના મુદ્દા

 1. વિજયભાઇ! આપના પ્રયત્નો યોગ્ય દિશાના જ છે. આપે પૃથક્કરણ કર્યું તે દિશાસૂચક બની શકે. અરે મારા ભાઈ! આપના તારણો અંગે મને જરા પણ વિરોધ નથી. મિત્ર સુરેશભાઈ પાસે પણ સરસ વિચારો છે. આપણા અન્ય મિત્રો પાસે ગુજરાતી નેટ જગતના મિત્રોને આપવાલાયક ઘણું છે.
  હું અભિવ્યક્તિના પૂર્ણ સ્વાતંત્ર્યનો સમર્થક છું. પરંતુ સૌ મિત્રોને એક જ વિનંતી કે વિવાદાસ્પદ મુદ્દાઓને ચર્ચવામાં થોડો સંયમ રાખે. જો આવા મુદ્દા હમણાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બને અને આપણે તેની ચર્ચા પાછળથી યોગ્ય સમયે કરીએ તો સારું પહેલાં આપણે એકબીજાને ઓળખીએ, નજીક આવીએ, એક થવાનો પ્રયત્ન કરીએ. પછી તમામ પ્રશ્નો ચર્ચી ઉકેલ લાવી શકીશું. આ મારો અંગત મત છે. દરેકને પોતાનું મંતવ્ય રજૂ કરવાનો હક્ક છે. આપણે સાંભળીશું.

 2. ગુજરાતી નેટ જગત-સાહિત્ય રસિક મિત્રોને વિનંતી

  કહેવાય છે કે કોઇ પણ ગુંચ ઉકેલવી હોયતો બધા દોરને એક સામટા ન ખેંચાય. એક દોર પહેલેથી જ્યાં જતો હોય તે શોધી બીજા દોરોની ગુંચમાં ઉકેલવી રહી. મને મળેલા પ્રતિભાવોમાં ફોંટ અને જોડણી ઉપરાંત ઘણા બધા પ્રશ્નો છે.મેં પણ મને સુજ્યુ તે પ્રકારે બે વર્ગ પાડ્યા જેમાનો પહેલો વર્ગ કે જે આ પ્રશ્નો ઉકેલી શકે છે અને બીજો વર્ગ કે જે પ્રશ્નો છે તે શોધી શકે.

  સ્પર્ધા અને વાડાબંધી તો અત્રે ક્યાંય સંભવી શકે તેમ છે જ નહીં સમજ અને સુઝ બુઝ થી જ આ કામ થઇ રહ્યું છે.મુ રતીદાદાનાં આશિર્વાદ આ કાર્યમાં છે તમને મોકલેલ એ મેઇલમાં આપે જોયુ જ હશે.આપ પણ ૨ ડીસેમ્બરની ચર્ચામાં ભાગ લો તે મુજબનો મારો ઇ મેઇલ આપને મળ્યો હશે
  ન મળ્યો હોય તો આ પત્ર દ્વારા ફરી આમંત્રણ. ઍક વાત જરુર કહીશ આપ મારા મતે મારી જેમ બીજા વર્ગમાં છો.અને બીજા વર્ગની વાતો પહેલાવર્ગમાં થોડીક ઉતાવળે થઇ હોય તેમ જણાતુ હોય અને મારી કોઇક ક્ષતી થઇ હોય તો વડીલ તરીકે આપ મને ક્ષમા આપજો

 3. હરીશભાઇ,આપની વાત સાચી છે.એકતા જરૂરી છે જ.હું તો આ ક્ષેત્રમાં શીખાઉ છું.એટલે વધુ કંઇ કહેવાની પાત્રતા નથી.કેમકે મેં આ બ્લોગ બનાવેલ ફકત…મારા બાળકો માટે જે દૂર યુ.એસ.માં છે.અને હમેશા મને પૂછે..મમ્મી,આજે શું નવું લખ્યું? અમને મોકલ.અને તેના જવાબમાં આ સરૂઆત કરી.જેથી હવે તેમને પૂછવું કે મારે મોકલવું નથી પડતું.એટલે મારો હેતુ તો સાચુ કહું તો આટલો જ હતો.પણ આ નેટ જગતે ઘણાં સારા મિત્રો…આપ્યા અને તેમની લાગણી મળી.જે મારે માટે અમૂલ્ય છે.બાકી વાચકો વધે કે નહીં એની સાથે મને બહુ નિસ્બત નથી.કેમકે જેને ગમશે તે વાંચશે…અને નહીં ગમે તો નહી વાચે.બધાની પસંદ,રૂચિ અલગ જ હોવાના.થોડુ લખી શકુ છુ…અને પ્રકાશિત પણ થાય છે..અને કોઇ વાંચે ત્યારે એક લેખક તરીકે આનંદ થાય તે સ્વાભાવિક છે.બાકી હકીકતે આપણામાંના મોટાભાગના કહેવા મુજબ આ તો”ગમતાનો ગુલાલ” છે.બિલકુલ સ્વાર્થ વિનાનો.આપણે વચ્ચે મતભેદ હોય શકે મનભેદ ન હોવા જોઇએ,સાથે મળીને સાચી એકતાથી કામ થઇ શકે તો એનાથી ઉત્તમ બીજુ શું હોઇ શકે?આપ સૌ આના માટે આટલું સક્રિય વિચારો છો અને કરો છો..તે ધન્યવાદને પાત્ર છે.હું કંઇ યોગદાન અપી શકીશ તો આનંદ જ થશે.
  આભાર.

 4. I agree with You Harishbhai,
  I do feel the COMPITITION started among blogs.
  મંદિરોનાં વાડા બંધાઈ ગયા હોય તેમ એ પ્રવાહમાં ઘસડાતાં જઈએ છીએ. સર્વોપરિતાની હોડ ચાલુ થઈ હોય એવી લાગણી થઈ રહી છે. એકતાની ભાવના ઓછી દેખાઈ રહી છે. છેલ્લાં કેટલા દિવસોથી મનમાં ઘોળાતું હતું પરંતુ આજે તમારા મંતવ્ય સાથે સંમત થવાનું મન થયું.
  કાંઈ જો વધુ પડતું લખાઈ ગયુ ઃઓય તો માફ કરજો. અને હું કોઈના તરફ આંગળી ચીંધવા પણ નથી માંગતી કે કોઈની લાગણી પણ દુભાવવા નથી માંગતી. પરંતુ જે લાગ્યું તે લખ્યું.
  સોરી.

  નીલા

Please write your Comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s