.
પ્રિય અનામિકા,
ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત.
વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ. પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા……
1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન.
મેદની એકઠી થયેલી છે. સંયોગવશ ટોલ્સ્ટોય ત્યાંથી પસાર થઈ રહ્યાં હોય છે. કૂતુહલવશ ટોસ્ટોય પણ ભીડ પાસે પહોંચે છે. આઘાત પામે છે. એક સ્વરૂપવાન યૌવનાનો મૃતદેહ પડેલો છે. યુવતી ટ્રેઈન નીચે કૂદીને કપાઈ ગઈ છે. પોલિસ પૂછપરછ કરી રહી છે.
ટોલ્સ્ટોય હચમચી જાય છે. ભીની આંખે તેઓ યૌવનાના મૃતદેહને નિહાળ્યા કરે છે. ક્ષત-વિક્ષત દેહમાંથી યે ખૂબસૂરતી છલકાઈ રહી છે. અપ્રતિમ દેહસૌંદર્યનો આવો અંજામ? શું જીવનની કરૂણતા આ રીતે પણ પ્રગટ થઈ શકે? ટોલ્સ્ટોય તે યુવતી વિષે માહિતી એકત્ર કરે છે.
તે સુંદર યુવતી હતી અન્ના. પરિણીત હતી. યુવાનીની સ્વચ્છંદતાનો અને દુ:ખી દાંપત્યજીવનનો ભોગ બનીને તેણે આત્મહત્યા કરી હતી. ટોલ્સ્ટોયના મનમાં વાર્તા ઘુમરાવા લાગે છે અને સર્જન પામે છે નવલકથા: “અન્ના કેરેનિના”.
ચાલો, આપણે “અન્ના કેરેનિના”નાં પૃષ્ઠો ઉથલાવીએ.
અન્નાના લગ્ન થયા છે એલેક્સી સાથે. પતિ-પત્ની પિટર્સબર્ગમાં રહે છે.
એલેક્સી ઉંમરમાં અન્ના કરતાં વીસેક વર્ષ મોટો છે. ઊંચી પદવી પર ઓફિસર છે. માન-મરતબો છે. નામ છે. તે પ્રેમાળ છે, પરંતુ કારકિર્દી બનાવવામાં એવો વ્યસ્ત છે કે તેનું અંગત જીવન ખાડે જતું જાય છે. ઉષ્માવિહીન દાંપત્યજીવનથી અન્ના દુ:ખી છે. સાત વર્ષના પુત્રના સહારે તે આશા રાખીને જીવન પસાર કરતી રહે છે.
અન્નાનો ભાઈ ઓબ્લોન્સ્કી વૈભવી પાટનગર મોસ્કોમાં રહે છે. ઓબ્લોન્સ્કીને વગદાર શ્રીમંતો સાથે ઘરોબો છે. કિટ્ટી તેની યુવાન સાળી છે, જે પોતાનું મિત્ર-વર્તુળ વધારી રહી છે. કિટ્ટી બે શ્રીમંતોથી આકર્ષાઈ છે, પરંતુ તેને સમજાતું નથી કે તે કોના પ્રેમમાં છે…..એક છે ઉમરાવ કાઉન્ટ વ્રોન્સ્કી; બીજો છે જમીનદાર લેવિન. રંગીન મિજાજ વ્રોન્સ્કી ભ્રમરવૃત્તિનો છે. લેવિન વિચારશીલ, ઠરેલ પ્રકૃતિનો છે.
એક વાર અન્ના મોસ્કો પોતાના ભાઈ ઓબ્લોન્સ્કીને ત્યાં આવે છે. બસ, પાર્ટી અને મોજશોખમાં તે ડૂબી જાય છે. તેના શુષ્ક જીવનમાં કૂંપળો ફૂટવા લાગે છે. એક ડાન્સ પાર્ટીમાં વ્રોન્સ્કી કિટ્ટીને પડતી મૂકી અન્નાને પોતાની પાર્ટનર બનાવે છે.
બસ, આ ટર્નિગ પોઈંટ છે. અન્ના વ્રોન્સ્કીના મોહક ઈશ્કમાં પાગલ બની બેસે છે. ભારે હૈયે પતિગૃહે પાછી તો ફરે છે, પણ ઘણું બધું ખોઈને … તેની પાછળ પાછળ વ્રોન્સ્કી પણ પિટર્સબર્ગ પહોંચે છે. અન્નાના દાંપત્યજીવનમાં તોફાન જાગે છે. પતિ સમજાવે છે; અન્ના અંધ થતી જાય છે. સમાજમાં બદનામીના ડરથી એલેક્સી પત્નીને તલાક આપવા તૈયાર નથી. મજબૂર થઈ લાચાર એલેક્સી અન્નાની બેવફાઈ નિભાવ્યે જાય છે.
મોસ્કોમાં કિટ્ટી સમજદારીથી જીવન સંભાળી લે છે. તે ધીર, ગંભીર લેવિન સાથે પોતાનો સંસાર સજાવી લે છે. તેમનું દાંપત્ય જીવન સુખી બને છે.
અન્ના તમામ મર્યાદાઓ તોડીને વ્રોન્સ્કીને સર્વસ્વ અર્પણ કરે છે અને વ્રોન્સ્કીની પુત્રીને જન્મ આપે છે. પરંતુ લગ્નવિચ્છેદ સિવાય અન્ના વ્રોન્સ્કીનો સંસાર સજાવે કેવી રીતે? એલેક્સી તલ્લાક માટે તૈયાર નથી. પતિ અને પ્રેમી વચ્ચે અન્ના પિસાતી રહે છે….. રિબાતી રહે છે. છેવટે ધસમસતી ગુડ્ઝ ટ્રેઈન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવે છે.
ટોલ્સ્ટોયની આ કરૂણાંતિકા “અન્ના કેરેનિના” ઘણી પ્રસિદ્ધિ પામી છે.
વર્તમાન સમયમાં ગુજરાતી યુવાન-યુવતીઓ વિશ્વના ‘ક્લાસિક’ સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોવાનું ઘણી વખત કહેવાય છે. તેઓ ઘણી વાર પ્રશ્નો કરે છે: સર, અમે શું વાંચીએ? કદાચ ગદ્ય કરતાં પદ્ય તરફ ઝોક વધ્યો છે. ભલે; તેમાં ખોટું કાંઈ નથી. પણ ‘ક્લાસિક’ ગદ્યનો રિશ્તો પણ રહેવો જોઈએ. દોસ્તો! મુનશી અને દર્શક વાંચો; શરદબાબુ અને પ્રેમચંદ વાંચો …. રોમાં રોલાં કે દોસ્તોએવ્સ્કી પણ વાંચો ….. જો બધાની કૃતિઓ વાંચવી શક્ય ન હોય તો તેમના વિષે જાણવાનું તો ન જ ચૂકો. કૃતિઓ અને કૃતિકારનો સાધારણ પરિચય તો અવશ્ય મેળવો જ. તે તમારા જીવનમાં રંગ પૂરશે! બસ, મારે આટલું જ જોઈએ છે!
સસ્નેહ આશીર્વાદ .