પ્રિય અનામિકા,
બેટા! વિદેશની ધરતી પર તારે તારા પ્રિય પતિથી દૂર રહેવું પડશે! વિચાર આવતાં અમે ધ્રૂજી જઈએ છીએ. અનામિકા- અમર છૂટા પડશે?
તમારા લગ્ન-જીવનનું ત્રીજું જ વર્ષ. તમે કેવા વિચિત્ર મોડ પર પહોંચ્યા છો.
તમે ફોન પર વાત કરી ત્યારે પળભર તો આંચકો લાગ્યો હતો. પરંતુ મને તરત સમજાઈ ગયેલું કે અમરની કારકિર્દી મહત્વની છે. અમરને નાની ઉંમરમાં, વિશ્વ-વિખ્યાત કંપનીમાં ઉચ્ચ હોદ્દો મળી રહ્યો છે તે નાની સૂની વાત નથી. ફોન પર મેં સમજી વિચારીને જ આશીર્વાદસહ સંમતિ આપી છે.
આમેય, તમારો જુદા રહેવાનો સમયગાળો ટૂંકો છે;દોઢ જ વર્ષનો સવાલ છે. આટલા માટે તું તારી વિકસતી કારકિર્દીને અધવચ્ચે રઝળાવી બીજા શહેરમાં ન જઈ શકે. વળી તમારાં બેનાં શહેરો વચ્ચે માંડ દોઢ કલાકની ફ્લાઈટ છે. તમે અવારનવાર વિક-એન્ડમાં મળી તો શકશો.
આજે તારો ઈ-મેલ ધ્યાનથી વાંચ્યો. બોલ્ડ ટાઈપમાં અંડરલાઈન કરેલી તારી “પ્રેમભરી પ્રાર્થના” વાંચી. તેં આદરથી, હ્રદયસ્પર્શી આત્મીયતાથી મારા પત્રોની કંપનીની માગણી કરી છે. એક નાનકડી વિદ્યાર્થિનીની શ્રદ્ધાભરી પ્રાર્થના ગુરુ કેવી રીતે અવગણી શકે?
તારી જ્ઞાન-પિપાસા સંતોષાતી હોય, તારી બુદ્ધિપ્રતિભા વિકસિત થતી હોય તો પત્રો દ્વારા કંપની આપવામાં મને ખુશી થશે. તું પણ જાતજાતના વિષયો પર પ્રશ્નો મૂકતી રહીશ, તો મને ચર્ચા કરવામાં આનંદ થશે.
મારા પત્રો તારા જીવનને રસસભર કરે તે જ અભ્યર્થના. …. આશીર્વાદ.