.
ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની અગ્રીમ કંપની ‘ઇન્ફોસિસ’ ( Infosys Technologies, Bangalore, India ) અને તેના સ્થાપક નારાયણ મૂર્તિથી “મધુસંચય”ના વાચકમિત્રો પરિચિત હોય જ.
ભારતની આ પ્રતિષ્ઠિત આઇટી કંપની ‘ઇન્ફોસિસ’ (INFOSYS)ની કોર્પોરેટ ઓફિસ કર્ણાટકના બેંગ્લોર શહેરમાં છે. સોફ્ટવેર એન્જિનિયર શ્રી નારાયણ મૂર્તિ તથા તેમના છ સહયોગીઓ દ્વારા પૂના શહેર (મહારાષ્ટ્ર)માં ઇસ 1981માં ‘ઇન્ફોસિસ’ની સ્થાપના થઇ. આજે ‘ઇન્ફોસિસ’ એવો તો ઝડપી વિકાસ સાધી રહી છે. ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ટોચની ત્રણ કંપનીઓ ટીસીએસ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ – TCS ), ઇન્ફોસિસ (Infosys) તથા વિપ્રો (WIPRO) છે.
નારાયણ મૂર્તિનો જન્મ 20 ઓગસ્ટ 1946ના રોજ કર્ણાટક રાજ્યમાં થયો. તેમણે કાનપુર(ઉત્તરપ્રદેશ, ભારત) ના વિશ્વવિખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી – IIT ) માંથી એમ. ટેક. ની ડિગ્રી 1969માં મેળવી. સોફ્ટવેર એંજિનિયર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ વિવિધ સંસ્થાઓ / કંપનીઓમાં થયો. અમદાવાદ (ગુજરાત) ના ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ – IIM- A ) માં નારાયણ મૂર્તિએ ચીફ સિસ્ટમ પ્રોગ્રામર તરીકે સેવાઓ આપી. પાછળથી તેમણે સોફ્ટવેર ટેકનોલોજીમાં દેશની જાણીતી કંપની પટણી કોમ્પ્યુટર્સ સિસ્ટમ્સ (પૂના, મહારાષ્ટ્ર)માં ઊંચી પદવી પર જોબ કરી.
પરંતુ નારાયણ મૂર્તિની જિંદગીનો એક મહત્વનો તબક્કો પેરિસ (ફ્રાન્સ) ખાતે યુરોપની મલ્ટીનેશનલ આઇટી કંપની ‘સેસા’ (SESA) ખાતે રહ્યો. એંશીના દાયકાના આરંભકાળે નારાયણ મૂર્તિ સામ્યવાદ (Communism) ના વિચારોથી પ્રભાવિત હતા. સામ્યવાદના સહારે સમાજના બહુવિધ વર્ગોનો ઉદ્ધાર કરવા ઇચ્છતા હતા. ભારે આદર્શવાદી વિચારધારામાં રાચતા પચ્ચીસેક વર્ષના નારાયણ મૂર્તિ ત્યારના યુરોપના કટ્ટર સામ્યવાદી દેશ બલ્ગેરિયા (Bulgaria, Europe) માં ટ્રેઇનમાં પ્રવાસ કરી રહ્યા હતા કોઇ સહપ્રવાસી યુરોપિયન યુવતી સાથે ચર્ચા કરી રહ્યા હતા. વાતવાતમાં યુવતીએ સામ્યવાદી દેશોની દબાય્ર્લી પ્રજાઓની હાલાકીઓની નરી વાસ્તવિકતાઓ વર્ણવી. નારાયણ મૂર્તિ અકળાઈ ગયા અને તેમણે સામ્યવાદી સરકારની માનવ સ્વાતંત્ર્યને કચડતી નીતિઓની ટીકા કરી. બસ, થઇ રહ્યું! સામ્યવાદી દેશમાં તમે મોં કેમ ખોલી શકો? બલ્ગેરિયન પોલિસે તેમની ધરપકડ કરી અને નારાયણ મૂર્તિને ત્રણ-ચાર દિવસ દોઝખ જેવી પોલિસ કસ્ટડીમાં રહેવું પડ્યું !
નારાયણ મૂર્તિએ માનવીની અંગત વિચારધારાને કચડતા, માનવીના સ્વાતંત્ર્યને છીનવી લેતા સામ્યવાદનો મોહ છોડ્યો. તેમણે વિચાર્યું કે મૂડીવાદ (Capitalism) ના માર્ગ પર ધંધા ઉદ્યોગના વિકાસથી પણ સમાજના વિકાસની તકો વધારી શકાય છે. નારાયણ મૂર્તિના મહાન સ્વપ્ન ‘ઇન્ફોસિસ’નાં બીજ ત્યારે રોપાયાં.
Filed under: અજાણી-શી વાતો | Tagged: ઓક્ટોબર 2009, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, મધુસંચય, હરીશ દવે, Gujarat, gujarati, Gujarati Blog, Gujarati Net Jagat, Harish Dave, Madhusanchay, October 2009 | 1 Comment »